ગોધરાકાંડના કેસોનું ભારણ હોવાથી તેઓ હાલના તબક્કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસનું ભારણ લઇ શકે તેમ નહીં હોવાની રજૂઆત સીટ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ખંડપીઠે કરેલા હુકમનું પુન: મુલ્યાંકન કરવાની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં પણ આવી અરજી પડતર હોવાથી હાલના તબક્કે તે અરજીની સુનાવણી થઇ શકે નહીં તેવી નોંધ સાથેન્યાયમૂર્તિ જયંત પટેલ અને ન્યાયમૂર્તિ અભિલાષા કુમારીની ખંડપીઠે અરજીની વધુ સુનાવણી ૯મી સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે.
ઇશરત જહાં એન્કાઉન્ટરકેસમાં હાઇકોર્ટના હુકમનું પુન: મુલ્યાંકન કરવા માટે થયેલી રિટમાં હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી કાર્યવાહીમાં સીટ દ્વારા લેખિતમાં જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સીટ વતી જણાવાયું હતું કે, તેમની પાસે હાલ ગોધરાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા કોમી તોફાનોને લગતા નરોડા પાટીયા કાંડ, ગુલબર્ગ કાંડ સહિતના મહત્વના કેસોને લગતી મહત્વની તપાસ છે. માટે તેઓ હાલ ઇશરત જહાં એન્કાઉન્ટરકેસની તપાસ લઇ શકે તેમ નથી.
બીજી તરફ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમ અંગે ખંડપીઠનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેને ધ્યાને લઇ ખંડપીઠે જણાવ્યું હતું કે જ્યારે આ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન પેન્ડિંગ છે ત્યારે હુકમના પુન: મુલ્યાંકનની અરજી પર સુનાવણી હાથ ધરવી યોગ્ય નથી. તેથી કેસની સુનાવણી ૯મી સપ્ટેમ્બર પર મુકરર કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સીટ દ્વારા ગોધરાકાંડ સંદર્ભના કેસોની પણ તપાસ કરવામાં આવી રહી છે.