૩૪ કિલો કેસર દાણચોરીથી લાવતા દંપતીની એરપોર્ટ પર અટકાયત
- ૮૦ લાખનું કેસર બે કાર્ટૂનમાં લવાતું હતું
- કેસરની દાણચોરી પકડવાનો દેશનો સૌથી મોટો કેસ
સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મંગળવારની વહેલી સવારે કસ્ટમ અધિકારીઓને જેકપોટ લાગ્યો છે. દાણચોરીના માધ્યમથી દેશમાં ૩૪ કિલો જેટલું માતબર કેસર લાવતાં એક કપલ પકડાયું છે. આ કેસરની કિંમત ૮૦ લાખ જેટલી છે. દેશભરમાં આટલી મોટી માત્રામાં દાણચોરી થતું કેસર પકડાયું હોય તેવો આ પહેલો કેસ છે. આ કેસર અમદાવાદથી રોડ મારફતે મુંબઈ લઈ જવાનું હતું. આખા દિવસની પૂછપરછ બાદ મોડી રાત્રે કસ્ટમ અધિકારીઓએ આ કપલની ધરપકડ કરી છે.
કસ્ટમ વિભાગના ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યાં અનુસાર વિશ્વસનીય બાતમીના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી. મંગળવારે સવારે સાડાચાર વાગ્યે એરપોર્ટ પર લેન્ડ થયેલી એર અરેબિયાની ફલાઈટ નંબર જી૯-૪૮૧માં શાહજહાથી આવેલા એક કપલને રોકવામાં આવ્યું હતું. તેમના બેગેજની તલાશી લેતા બે કાટુર્ન ભરીને કેસર મળી આવ્યું હતું.
તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે મહોમ્મદ યુનુસ અને સુલ્તાના મહોમ્મદ યુનુસ નામના આ બે વ્યક્તિઓ મુંબઈના રહેવાસી છે અને એરપોર્ટ પર ઉતરીને તેઓ રસ્તાથી મુંબઈ લઈ જવાના હતાં.આ પહેલા પણ દેશના એરપોર્ટસ પર ૧૮-૨૦ કિલો કેસર પકડાયું છે પરંતુ આટલી મોટી માત્રામાં પહેલી વાર પકડાયું છે.
કેસરની દાણચોરીમાં નાર્કોટિક્સથી પણ વધુ નફો :
ભારતમાં એક કિલો કેસરની કિંમત અઢીથી પોણાં ત્રણ લાખ રૂપિયા છે. ખાડીના દેશોમાં કેસર દોઢથી પોણાં બે લાખ રૂપિયા કિલોના ભાવે મળે છે. આ કેસરને કાયદેસર રીતે દેશમાં આયાત કરવાનું હોય તો તેના પર ૩૦ ટકા કસ્ટમ ડયુટી લાગે છે. આથી જો આ કેસરની દાણચોરી કરીને ભારતમાં ઘુસાડી દેવામાં આવે તો કિલોએ એક લાખ રૂપિયાનો નફો મળે છે. જો કે બેગેજમાં આટલી મોટી માત્રામાં કેસર લાવી શકાય નહિં. આ ૮૦ લાખની કિંમત પર નિયમ મુજબ ૩૬.૦પ ટકા ડયુટી અને પેનલ્ટી ચુકવવી પડે. જો કે દાણચોરીના હેતુથી આ કેસર લવાતું હોવાથી ગુનો બને છે અને આ પહેલા દેશના કયા કયા એરપોર્ટનો આ કામગીરી માટે ઉપયોગ કરાયો છે તેની પણ ચકાસણી થઈ રહી છે.





