દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા.રાજ્યમાં આગામી ૧૨ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીસુરતમાં ખાડી ઊભરાઈ
ગુરુવારે વહેલી સવારથી જ રાજ્યભરમાં મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. મુશળધાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. અમદાવાદ જિલ્લાના ધોળકામાં સૌથી વધારે ૧૩ ઇંચ સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો, જ્યારે લીંબડી, ઓલપાડ અને જલાલપોરમાં ધોધમાર ૮ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યના અન્ય વિસ્તારમાં અડધાથી ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાહન અને ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
રાજ્યમાં વીજળી પડવાથી એક બાળકનું મોત થયું હતું. ભારે વરસાદને કારણે રાજ્યમાં ૮ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હવામાનખાતાએ આગાહી કરી હતી કે આગામી ૧૨ કલાકમાં રાજ્યના જુદા જુદા ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
ગુરુવારે વહેલી સવારે ૭ વાગ્યાથી જ વીજળીના કડાકાભડાકા સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ અમદાવાદ જિલ્લાના ધોળકામાં ૧૩ ઇંચ નોંધાયો હતો. સવારે ૮.૩૦થી બપોરે ૩.૩૦ વાગ્યા સુધીમાં ધોળકામાં ૮ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોળકામાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયાં હતાં. અમદાવાદમાં દિવસ દરમિયાન બે ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે ધંધૂકામાં પાંચ અને રાણપુરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
વડોદરામાં ૭ ઇંચ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરક થઈ ગયા હતા. દેવ ડેમ અને આજવા ડેમમાં હજારો ક્યુસેક પાણી છોડાયું હતું. ભારે વરસાદને કારણે શહેર અને જિલ્લામાં પાંચ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લામાં ભારે વરસાદને કારણે લીમખેડા અને ગરબડા વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો હતો. ગોધરા, હાલોલ અને ઘોઘંબામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, તાપી વગેરે જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. ઓલપાડમાં મુશળધાર આઠ ઇંચ વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. શહેરમાં ૬૦૦ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. જ્યારે નવસારી અને જલાલપોરમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરતના અડાજણમાં વીજળી પડવાથી એક બાળકનું મોત થયું હતું. વીજળી પડવાને કારણે ત્રણ મકાનને નુકસાન થયું હતું.
સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ ચાલુ છે. લીંબડી પંથકમાં ૮ ઇંચ વરસાદ પડ્યો હતો, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એકથી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટના જસદણમાં બે અને ખાંભાળિયામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.