સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટરમાં સીબીઆઇએ શુક્રવારે આંધ્રપ્રદેશના શમશાદાબાદ એરપોર્ટના એસીપી સી.એચ. શ્રીનિવાસની ગાંધીનગર ખાતે પૂછપરછ કરી હતી. તેમના પર સોહરાબુદ્દીન, તેની પત્ની કૌશરબી અને તુલસી પ્રજાપતિને હૈદરાબાદથી સાંગલી જતી બસમાંથી ઉઠાવવામાં ગુજરાત એટીએસની મદદ કરી હોવાનો આરોપ છે.
સીબીઆઇનાં સૂત્રોએ જણાવ્યું હતું કે,ગુજરાત એટીએસને મદદ કરનાર અન્ય ૭ પોલીસ અધિકારીઓની ઓળખ પ્રસ્થાપિત કરવાની તથા સોહરાબુદ્દીનના મિત્ર એવા નક્સલવાદી ઇન્ફોર્મર કલીમુદ્દીન ઉર્ફે નઈમુદ્દીનનો પત્તો લગાવવાનો બાકી હોવાથી જરૂર જણાશે તો બંને અધિકારીઓને ફરી બોલાવાશે.
ગુજરાત એટીએસના તત્કાલીન વડા ડી.જી. વણઝારાના કહેવાથી આંધ્રપ્રદેશના પ્રકાશન જિલ્લાના તત્કાલીન એસપી એન, બાલાસુબ્રમણ્યમ અને તે જ વિસ્તારમાં આવતા રાજેન્દ્રનગર પોલીસ મથકના તત્કાલીન પીઆઇ સી.એચ. શ્રીનિવાસે ગુજરાત એટીએસને સોહરાબુદ્દીનનો પત્તો લગાવવા તથા તેને ઉઠાવવામાં મદદ કરી હતી. શુક્રવારે મોડી સાંજ સુધી સી.એચ. શ્રીનિવાસની પૂછપરછ જારી રહી હતી.