પોલીસે ઈનોવા કાર ખોલી તો દારુ-બીયરનો જથ્થો ભર્યો'તો
- ઓઢવ રિંગ રોડ પરથી દારુ-બીયરનો જથ્થો ભરેલી ઈનોવા કાર સાથે બે બુટલેગર પકડાયા
શામળાજીથી ઈનોવા કારમાં દારુ-બીયરનો જથ્થો લઇને આવેલા બે બુટલેગરને ઓઢવ પોલીસે રિંગ રોડ પરના દાસ્તાન સર્કલ પાસેથી ઝડપી લીધા છે. પોલીસે તેમની પાસેથી દારુની ૨૭૬ બોટલ અને બીયરના ૨૪૦ ટીન તેમજ ઈનોવા કાર સહિત રૂ.૮.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ શરુ કરી છે.
ઓઢવ ડિસ્ટાફ પીએસઆઈ એસ.એમ.ગામેતીને બાતમી મળી હતી કે અમદાવાદના બે બુટલેગર ઈનોવા કારમાં શામળાજીથી દારુનો જથ્થો લઇને આવી રહ્યા છે. આ બાતમીના આધારે તેમણે ઓઢવ રિંગ રોડ સર્કલ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં સવારે પાંચ વાગ્યે રાજસ્થાન તરફથી આવી રહેલી ઈનોવા કારને પોલીસે દાસ્તાન સર્કલ ઉપર અટકાવી હતી.
પોલીસે કારની તલાસી લેતા પાછળની સીટ નીચે સંતાડેલી વિદેશી દારુની ૨૭૬ બોટલ અને બીયરના ૨૪૦ ટીન મળી આવ્યા હતા.આ સાથે પોલીસે કારમાં પસાર થઇ રહેલા કમલેશ ઉફe કમલી જશવંતભાઇ(રહે.નરોડા) અને શબ્બીર(રહે. શાહપુર)ને ઝડપી લીધા હતા.બંને બુટલેગર રાજસ્થાનથી દારુ-બીયરનો જથ્થો લાવીને તેમના વિસ્તારમાં છુટો છવાયો વેચતા હતા.






