ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી શિક્ષક અભિરૂચિ કસોટી (ટાટ)માં ૧૮૧ ઉમેદવારોનું પરિણામ અનામત રાખવામાં આવ્યું હતું. જેની તપાસ બાદ આજે બોર્ડ દ્વારા આ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
૧૮ ડિસેમ્બરના રોજ લેવાયેલી ટાટનું પરિણામ બોર્ડ દ્વારા ૧૭ જાન્યુઆરીના રોજ જાહેર કરાયું હતું. કુલ ૨૫૦ ગુણની પરીક્ષામાં ૧૨૫ ગુણ કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારોને પાસ જાહેર કરાયા હતા. જોકે પરીક્ષા દરમ્યાન ત્રણ ઉમેદવારોએ ઓએમઆર શીટ પર નિશાની કરી ઓળખ છતી કરવાનો પ્રયાસ કર્યો હોઇ તેમના પરિણામ રદ કરવામાં આવ્યા છે. જ્યારે ૧૮૧ ઉમેદવારોના પરિણામ અનામત રખાયા છે.
દરમ્યાન આ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધણી માટેની અરજી સંબંધી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે નિધૉરિત કરેલી તારીખોની સમયમર્યાદામાં સબમીટ કર્યા અંગેનો પુરાવો બોર્ડની કચેરી ખાતે રજૂ કર્યો હતો. જેથી બોર્ડ દ્વારા આ કાર્યવાહીના અંતે અનામત મુકાયેલા ૧૮૧ ઉમેદવારોના પરિણામ જાહેર કરાયા હતા.