- નિર્ણય નહીં બદલાય તો ઉગ્ર આંદોલન
- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વ્યાયામ અને ચિત્રકલાના શિક્ષક બાકાત
- આ અંગે રજૂઆત કરવા છતાં કોઇ અસરકારક નિકાલ આવ્યો નથી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૨૫ ફેબ્રુઆરીના રોજ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક માટે પરીક્ષા યોજવાનું નક્કી કર્યું છે. જોકે આ પરીક્ષામાં વ્યાયામ અને ચિત્રકલાના શિક્ષકોને બાકાત રાખવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. જો વ્યાયામ અને ચિત્રકલાના શિક્ષકોને પરીક્ષામાં સમાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક માટે મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી લેવાનું નક્કી કર્યું હતું. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૨૫ ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. જોકે આ પરીક્ષામાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વ્યાયામ અને ચિત્રકલાના શિક્ષકોને બાકાત રાખવામાં આવ્યા છે.
આ અંગે એસોસીએશને જાણ થતાં તેમણે આ મુદ્દે રજુઆત કરી હતી. પરંતુ હજુ સુધી નિકાલ આવ્યો ન હોઇ ભારે રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં આ મુદ્દે આંદોલન કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.