- પ્લાનિંગ મંત્રીની આગેવાની હેઠળ બિઝનેસ ડેસીગેટ્સની વન ટુ વન બેઠકો
- તાઇવાનને ગુજરાતમાં રસ જાગ્યો
તાઇવાનને ગુજરાતમાં રસ જાગ્યો છે. પહેલીવાર આ દેશના ૯૦ જેટલા પ્રતિનિધિઓ ગુજરાત આવ્યા છે. ૨૪મીએ તેમની રાજ્ય સરકારના વિભાગો સાથે બી ટુ બી બેઠકો છે. આ પ્રતિનિધિમંડળમાં ૫૪ તો બિઝનેસ ડેલીગેટ્સ છે.
તાઇવાનના પ્લાનિંગ મંત્રી ક્રિસ્ટીના લીઉની આગેવાની હેઠળના આ પ્રતિનિધિઓ ગુજરાતમાં વિવિધ સેકટરમાં મૂડીરોકાણ કરવા ઉત્સુક છે. તાઇવાનની ટીઇસીઓ કંપની સાવલીમાં ઇલેકટ્રીક મોટર, એલસીવાય દહેજમાં કેમિકલ તેમજ એસયુએનએન આઇઆર કંપની સોલાર પાવર પ્રોજેક્ટ લઇને આવી છે.
સાયન્સ એન્ડ ટેકનોલોજીના અધિક મુખ્ય સચિવ રવિ સકસેનાએ જણાવ્યું હતું કે છ મહિના પહેલાં ગુજરાતનું એક પ્રતિનિધિમંડળ તાઇવાન ગયું હતું ત્યારે બિઝનેસ અંગેની બેઠકો થઇ હતી. ગુજરાતના આમંત્રણને સ્વીકારી તેઓ આટલી મોટી સંખ્યામાં પહેલીવાર આવી રહ્યા છે. આ પ્રતિનિધિઓ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક કરશે.
રવિ સકસેનાએ જણાવ્યું હતું કે તાઇવાન એ મુખ્યત્વે ચાઇનામાં રોકાણ કરતો દેશ છે. એ દેશે કુલ ૯૦ હજાર કંપનીઓ ચીનમાં સ્થાપી છે. ભારતમાં તામિલનાડુમાં આ દેશની ૮૯ કંપનીઓ છે. તાઇવાન પ્રથમવાર ગુજરાતમાં મૂડીરોકાણ કરી રહ્યું છે. તેઓને બાયો, કેમિકલ્સ, એન્જીનિયરિંગ, સોલાર એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ તેમજ આઇટીના પ્રોજેક્ટમાં વધારે રસ છે.