- તબીબ ઇલેશ વૈદ તેમની પત્ની,બાળકી અને માતા-પિતાને બાંધી દીધા હતા
- તબીબ પરિવારને બાંધી ૧૪ ધાડપાડુઓએ ચલાવેલી રૂપિયા ૩.૨૫ લાખની ધાડ
- વરસતા વરસાદમાં બુધવારે મધરાતે ધાડપાડુઓએ ધાડને આપેલો અંજામ
- ૨.૫૦ લાખ રોકડા, સોનાનાં દાગીના અને બે મોબાઇલની લૂંટ
- આંખનાં નિષ્ણાંત તબીબની ઇનોવા કાર પણ લૂંટી જવાનો પ્રયાસ
અંકલેશ્વર શહેરની આદર્શ સોસાયટીમાં રહેતા તબીબ પરિવારને ત્યાં બુધવારે મધરાત્રે ૧૩થી ૧૪ હિન્દી અને અંગ્રેજી ભાષી ચãી બનિયાનધારી લૂંટારૂઓએ ત્રાટકી તેમને બાંધીને રૂપિયા ૩.૨૫ લાખ ઉપરાંતની ધાડ ચલાવી હતી. વરસતાં વરસાદે ધાડપાડુઓએ મચાવેલી સનસનીખેજ ધાડથી પોલીસબેડામાં હડકંપ મચી ગઇ છે.
બુધવારે મધરાતે અંકલેશ્વરનાં જાણીતા આંખનાં નિષ્ણાંત ડૉ. ઇલેશ વૈદ અને તેમનું પરિવાર મીઠી નિંદર માણી રહયું હતું. વરસતા વરસાદમાં રાત્રિનાં ૨.૩૦ વાગ્યાનાં અરસામાં તબીબનાં ઘરનો પાછળનો દરવાજાનો નકૂચો પથ્થરો વડે તોડી લૂંટારૂઓએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. અચાનક તબીબ વૈદનાં પગ ઉપર તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીકાતા તેઓ સફાળા જાગી ગયા હતા. ઊંઘ ઉઘડતા શયનખંડમાં નજારો જોઇ તેઓ ફફડી ઉઠયા હતા.
૧૩થી ૧૪ ચãી બનિયાનધારી શખ્સો તબીબ પરિવારને ઘેરીને ઊભા હતા. આ શખ્સોએ હિંદી અને અંગ્રેજી ભાષામાં તબીબને તિજોરીની ચાવીઓ આપવા ધમકી આપી તેમની પત્ની, બાળકી અને માતા-પિતાને ઘરના એક ખૂણામાં બાંધી દીધા હતા.
લૂંટારૂઓએ તિજોરી ખોલી ૨.૫૦ લાખ રોકડ અને સોનાના દાગીના મળી રૂપિયા ૩.૨૫ લાખ ઉપરાંતની લૂંટ ચલાવી હતી. ફરાર થતી વખતે લૂંટારૂઓએ તબીબની ઇનોવા કાર પણ લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારૂઓનાં ચાલ્યા ગયા બાદ ડૉ. વેૈદએ પાડોશીઓ અને પોલીસને લૂંટની ઘટનાની જાણ કરી મદદ માગી હતી.
શહેર પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવી લૂંટારૂઓની ભાળ મેળવવા અલગ અલગ દિશાઓમાં ટુકડીઓ રવાના કરી ધાડનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
હિંદી-અંગ્રેજી ભાષા બોલતા ધાડપાડુઓની ટોળકી
લૂંટ અને ધાડના ગુનામાં ભરૂચ જિલ્લામાં સંભવત આ પ્રથમ કિસ્સો બન્યો છે. જેમાં ધાડપાડુઓ હિંદી અને અંગ્રેજી બન્ને ભાષામાં બોલતા હતા. ચãી બનિયાનધારી આ ટોળકી અત્યંત ક્રૂર હોવાનો દેખાવ કરી લૂંટ ચલાવતી હોવાનું અનુમાન લગાવાઇ રહયું છે. તેમ પોલીસ ઇન્સપેકટર હિંમતસિંહ રાઠોડે જણાવ્યું હતું. પોલીસે ડોગ સ્કવોર્ડ અને ફોરેન્સીક એક્ષપર્ટની મદદ લઇ આગળની તપાસ શરૂ કરી છે.