બેબાકળા બનેલાં મુખ્યપ્રધાન વિશ્વના સર્વશ્રેષ્ઠ વડાપ્રધાનની ટીકા કરવાને સ્થાને બિલ્ડર માફિયા અને ભાજપના ખંડણીખોરોને રાજ્યાશ્રય આપવાનું બંધ કરે, કોંગ્રેસ વડાપ્રધાન ડો. સિંહ અંગેના મુખ્યપ્રધાન મોદીના નિવેદન સામે કોંગ્રેસના આગેવાનોની આકરી પ્રતિક્રિયા મોદીએ ચૂંટણીમાં મતોની ખેતી કરવા માટે મેળા અને સંમેલનોના નાટકો આદર્યા છે : મોઢવાડિયા
મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ અંગે વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અંગે કરેલાં નિવેદન સામે કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા વ્યકત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે મુખ્યપ્રધાન મોદી વડાપ્રધાનના પેગડામાં પગ નાખવાનો પ્રયાસ કરીને હાસ્યાસ્પદ બનતા જાય છે. મોદી કોમનવેલ્થ ગેમને બદલે ગેરકાનુની બાંધકામ કરતાં બિલ્ડર માફિયાઓ અને ભાજપના ખંડણીખોરોને રાજ્યાશ્રય આપવાનું બંધ કરે એમ, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ અને વિરોધપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે.
કોંગ્રેસના સિનિયર આગેવાનોએ મુખ્યપ્રધાનના નિવેદનની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે, ચૂંટણીઓ આવે ત્યારે મોદી વિદુષકની મુદ્દામાં આવીને લોકરંજન કરાવવા માટે લાંબા-ટૂંકા હાથ કરીને વડાપ્રધાન સહિતના હયાત અને દિવંગત નેતાઓને ઉતારી પાડતા નિવેદનો કરીને મુખ્યપ્રધાનપદની ગરિમા ઘટાડે છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં સરકારી ખર્ચે ઉદઘાટનો અને ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને રાજ્ય સરકારના કામોની ચર્ચા કરવાને બદલે ભાજપનું રાજકીય પ્લેટફોર્મ બનાવીને નાટકિયાવેડા આદર્યા છે જે શોભાસ્પદ નથી. મુખ્યપ્રધાનને સ્વયં પ્રશિસ્તની ડંફાસ મારવામાંથી બહાર આવવાની સખિ આપતા કોંગી આગેવાનોએ જણાવ્યું છે કે, તત્કાલિન ગૃહ રાજ્યપ્રધાન અને પોલીસ અધિકારીઓએ વેપારીઓ પર ફાયરિંગ કરાવીને ખંડણી ઉઘરાવી હોવા સહિતના એક પછી એક તથ્યો સીબીઆઈની તપાસમાં બહાર આવતા જાય છે તેથી સીબીઆઈના પડછાયાથી ડરી રહેલાં મોદી પોતાની નીચે રેલો આવવાના ભયથી હાસ્યાસ્પદ નિવેદનો કરી રહ્યા છે. ગુજરાતને ખંડણીખોરોનું મેદાન બનાવી દીધું હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું છે કે, ખાતો નથી અને ખાવા દેતો નથીના દાવા કરનારા મોદીના શાસનકાળમાં સત્તામાં બેઠેલાં લોકો, મંત્રીઓ અને તેમના કાર્યકરો કરોડોની ખંડણી અને ઉડાવી દેવાની ધમકીઓ આપે છે.
મુખ્યપ્રધાનને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના નાના-મોટા પોણા બસ્સો ગામમાં ફૂલી ફાલેલી ગુંડાગીરી, બેફામ ગેરકાનુની બાંધકામ, બેફામ ખનીજ ચોરી, રાજ્યવ્યાપી ખંડણી નેટવર્ક, સોપારી આપીને કરાતી હત્યા, શિક્ષણનું વ્યાપારીકરણ, ધર્મના નામે ધતિંગ ચલાવનારા આસારામ અને નિત્યાનંદ જેવા ઠગો સહિતની અંધાધૂંધીમાંથી રાજ્યને બચાવવાના પ્રયાસ કરવા જોઈએ એમ, જણાવી કોંગી નેતાઓએ ઉમેર્યું છે કે, વડાપ્રધાન અંગે અણછાજતી ટીકા કરીને મોદીએ ગુજરાતની ગરિમા ઘટાડવાનું કામ કર્યું છે.