--ઉપાધ્યક્ષની ચૂંટણી માટેની માનસિક તૈયારી
--અધ્યક્ષની પેનલ હોવા છતા શાસક પક્ષ કોઈ જોખમ લેવા તૈયાર નથી.
--ઉપાધ્યની ચૂંટણી માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ચૂંટણીના તારીખ જાહેર કરાય પછી સચવિ દ્વારા આ અંગેનુ જાહેરનામું બહાર પડાય છે.
--ઉપાધ્યક્ષની ચૂંટણી કે બિનહરીફ જાહેર કરવા માટેનો અધિકાર માત્ર વિધાનસભા ગૃહને જ છે.
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી ૬ અને ૭મી સપ્ટેમ્બરે બે દિવસ માટે મળશે પરંતુ અધ્યક્ષ અશોકભાઈ ભટ્ટની નાદુરસ્ત તબિયતને કારણે શાસક પક્ષ -ભાજપ વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી આ સત્રના પ્રથમ દિવસે કરાવી આ પદે ભાજપના જ દલિત ધારાસભ્યને આરુઢ કરવાના મૂડમાં છે.આ અંગે પ્રાથમિક વિચારણા પણ કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણીના તારીખ જાહેર કરાય તથા ત્યારબાદ વિધાનસભાના સચિવ દ્વારા જાહેરનામું બહાર પડાય તેવી શક્યતા છે.
સૂત્રોની માહિતી અનુસાર વિધાનસભાના અધ્યક્ષની તબિયત નાદુરસ્ત હોવાથી તેમના સ્થાને બેદિવસીય સત્ર દરમ્યાન અધ્યક્ષ પદે કોણ બેસશે તે પ્રશ્ન શાસક પક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.સામાન્ય રીતે અધ્યક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષની પાંચ સભ્યોની પેનલમાંથી કોઈ એક સભ્ય અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરે છે.આ વખતે આ પેનલમાં દોલતભાઈ દેસાઈ,મહેન્દ્દભાઈ મશરુ,નીમાબેન આચાર્ય અને વપિક્ષમાંથી સિધ્ધાર્થભાઈ પટેલ અને શંકરભાઈ વાઘેલા છે પરંતુ શાસક પક્ષ ઉપાધ્યક્ષના પદે ચૂંટણી કરાવી અને આ પદ આ સત્ર દરમ્યાન જ ભરી દેવાના મૂડમાં જણાય છે.
નોંધનીય છે કે વિધાનસભાની પ્રણાલિ મુજબ વપિક્ષ સૂચવે તે તેના ધારાસભ્યને ઉપાધ્યક્ષનું પદ અપાતું હોય છે પરંતુ ભૂતકાળના વર્ષોમાં સ્વ.ચીમનભાઈ પટેલની સરકાર વખતે વપિક્ષ સાથે સંબંધ બગડતા અપક્ષ ધારાસભ્યને આ પદ સોંપાયું હતું.એવી જ રીતે કેશુભાઈ પટેલની સરકાર વખતે પણ આ પદે અપક્ષ ધારાસભ્યને અપાયું હતું.વર્તમાન સરકાર શાસનમાં આવી છે ત્યારથી ઉપાધ્યક્ષનું પદ ખાલી છે પરંતુ હાલની સ્થિતિએ વિધાનસભાના અધ્યક્ષની તબિયત સારી ન હોવાથી શાસક પક્ષ કોઈપણ પ્રકારનું રાજકીય જોખમ ઉઠાવવા તૈયાર નથી અને એટલે તેમણે આ પદે શાસક પક્ષના જ કોઈ સિનિયર દલિત ધારાસભ્યને ચૂંટણીની માનસિક તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળે છે.
ઉપાધ્યક્ષને ચૂંટવાનો અધિકાર માત્ર વિધાનસભાને જ છે
જો ઉપાધ્યક્ષની ચૂંટણીના સંજોગો ઊભા થાય તો વિધાનસભાના નિયમ મુજબ ઉપાધ્યક્ષને ચૂંટવાનો અધિકાર વિધાનસભા ગૃહને છે.જોકે આ માટે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ઉપાધ્યક્ષની ચૂંટણી માટેની તારીખ જાહેર કરાય છે અને એ મુજબ વિધાનસભાના સચિવ દ્વારા જાહેરનામું બહાર પડાય છે તથા તે તારીખ અને સમય પ્રમાણે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા ચૂંટણી કરાય છે.
ઉપાધ્યક્ષને બિનહરીફ પણ વિધાનસભા જ ચૂંટી શકે છે
ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ.પટેલના કહેવા મુજબ શાસક અને વપિક્ષ સહમત થાય અને કોઈપણ એક ધારાસભ્યને ઉપાધ્યક્ષના પદે માટે બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવાનુ નક્કી થાય તોપણ વિધાનસભા ગૃહમાં આ અંગેનો પ્રસ્તાવ તો લાવવો પડે અને ગૃહ નક્કી કરે તે પછી જ ઉપાધ્યક્ષને બિનહરીફ જાહેર કરી શકે છે .