- સોમનાથ મહાદેવમાં રુદ્રાક્ષનો શણગાર થયો : શિવવંદના-નૃત્યનો કાર્યક્રમ થયો
- નાગદેવની પૂજા થઇ : કુલેર-દૂધ અર્પણ કરાયા
શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને નાગ પાંચમની ભિકતભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ ખાતે રુદ્રાક્ષનો શણગાર થયો હતો અને ધજા પણ ચઢાવવામાં આવી હતી. જ્યારે નાગ પાંચમ નિમિત્તે નાગદેવનું પૂજન-અર્ચન પણ શ્રદ્ધાળુઓએ કર્યું હતું.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે કે શ્રાવણના તૃતીય સોમવારે મહાપૂજા અને આરતી થઇ હતી. આ દિવસે ખાસ શિવ-વંદના અને શિવ-ભજનોનો રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે સાંજે દીપમાળા થઇ હતી અને નૃત્યનો પણ કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શિવભકતોએ સોમવારે સોમનાથ મહાદેવજીના દર્શન કર્યા હતા.
આ દિવસે શિવાલયોમાં ગાયના દૂધથી શિવજીનો તથા નાગદેવનો અભિષેક થયો હતો. સાથે અનેક શ્રદ્ધાળુઓએ નાગદેવતાને કુલેરનો લાડુ અને શિવજીને કેળા અને સાકર અર્પણ કરવામાં આવ્યા હતા. જગદગુરુ રામાચાર્યની પ્રેરણાથી મહામંડલેશ્વર રામઅવતારદાસજીના સાનિધ્યમાં મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિર-ઓઢવ ખાતે શાસ્ત્રી અતુલભાઇના વ્યાસપીઠે શિવપુરાણ કથામાં પણ મોટી સંખ્યામાં શ્રોતાજનોએ શિવજીનું માહાત્મ્ય જાણ્યું હતું. યમુનેશ્વર મહાદેવજી મંદિર ખાતે બિલ્વપત્રાભિષેક થયો હતો.
નાગપાંચમ નિમિત્તે સર્પસૂકત સહિત નાગદેવના સ્તોત્રનું પઠન પણ થયું હતું અને પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ દિવસે કૂલેર અને દૂધના પ્રસાદ અર્પણ કરાયો હતો. જ્યારે આ દિવસે નાગદેવનું પૂજન કરનારા શ્રદ્ધાળુઓએ આ દિવસે ખાજા પણ આરોગ્યા હતા.