સોમનાથ મંદિર જેવો કાયદો શ્રીરામજન્મભૂમિ મંદિર માટે બનાવો એવું આહ્વાન સંતોએ શનિવારે વિશાળ સંત-સંમેલનમાં વિહપિ કાર્યાલય-અમદાવાદ ખાતે કર્યું છે. આ સંત-સંમેલનમાં દેશભરમાં હનુમંત શક્તિની જાગૃતિ માટે અનુષ્ઠાન થશે અને નકસલવાદ રોકવા કડક પગલા લેવા સહિતના ત્રણ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. ગૌમાતાને બચાવવા માટે પણ જણાવાયું હતું. આ સંત-સંમેલનના અધ્યક્ષ તરીકે બોટાદના સ્વામી આત્માનંદજી મહારાજ રહ્યાં હતાં. આ સંમેલનમાં રાજ્યભરમાંથી ૧૭૩ સંતો, ૨૯ સ્થાનનાં પૂજારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અંગે વિહપિ-ગુજરાતના મહામંત્રી ડો.કૌશિક મહેતાએ જણાવ્યું કે સંત-સંમેલનમાં શ્રીરામજન્મભૂમિ, અનુષ્ઠાન અને નકસલવાદને અટકાવવા માટેના ત્રણ ઠરાવ પસાર થયા હતા. જેમાં પ્રથમ ઠરાવમાં તમામ પક્ષો શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણાર્થે આગળ આવે, સરદાર પટેલના પગલે ચાલી જે રીતે સોમનાથ મંદિર નિર્માણ અર્થે કાનૂની કાર્યવાહી કરાઇ હતી, તે રીતે ભારતની સંસદમાં વિશેષ કાયદો બનાવી શ્રીરામજન્મભૂમિ મંદિર નિર્માણનો માર્ગ સરળ બનાવે. ઉપરાંત, દેશભરમાં તા.૧૬મી ઓગસ્ટથી ૧૫મી નવેમ્બર, એમ ત્રણ મહિના સુધી હનુમંત શક્તિ જાગૃતિ માટેનું અનુષ્ઠાન કરાશે અને હનુમાન ચાલીસાનું પઠન કરાશે.
ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું કે નકસલવાદ મુદ્દે રાજકીય રોટલા શેકવાની બંધ કરે, નકસલવાદીઓની ઓળખ કરી તેમની સામે કડક પગલા લો, આ માટે દેશભરમાં સંતોએ ક્રાંતિ લાવવી પડશે. લોકોએ મોબાઇલમાં હનુમાન ચાલીસાની રિંગટોન રાખી હનુમંત શક્તિ જાગૃતિના અભિયાનમાં કરી શકાય. એસ.જી.વી.પી.ના બાલકૃષ્ણસ્વામીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઇ પટેલે દેશમાં સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર કરાવ્યો તે જ રીતે દેશમાં એક સરદાર જન્મે તો શ્રીરામજન્મભૂમિ મંદિરનું નિર્માણ અવશ્ય થાય.
ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ જશોમતિનંદનદાસજીએ જણાવ્યું કે ભગવાન શ્રીરામચંદ્રજી પૂર્ણપુરુષોત્તમ છે, તેમની ભક્તિ, પૂજા, ગુણગાન માટે કોઇપણ રાજકીય એજન્ડા વગર શ્રીરામમંદિર અવશ્ય બનવું જોઇએ. ઝુંડાલના પુરુષોત્તમચરણદાસજીએ પણ નકસલવાદને અટકાવવા માટે કડક પગલા લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે સંતો, મહંતો, પૂજારીઓ અને વિહપિના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
રામમંદિર નિર્માણ માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે: તોગડીયા
વિહપિના આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો.પ્રવિણ તોગડીયાએ શનિવારે યોજાયેલા સંત-સંમેલનમાં ફોન દ્વારા જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાનાં અંત સુધીમાં લખનૌ કોર્ટ દ્વારા શ્રીરામ મંદિર અંગે નિર્ણય આવી શકે છે. શ્રીરામ મંદિરના નિર્માણ માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. બધા જ સંતોનો એવો આગ્રહ છે કે શ્રીરામજન્મભૂમિ પર જ શ્રીરામ મંદિરનું નિર્માણ થાય.