ગયા વર્ષે ૩૪ જેટલી ‘બડહિટ્સ’ની ઘટના સાથે અમદાવાદ એરપોર્ટ દિલ્હી અને મુંબઇ જેવા અતિ વ્યસ્ત એરપોર્ટને ઓવર ટેક કરી ગયું હતું. આ વર્ષે પણ બર્ડહિટ્સની દુર્ઘટનાઓનો ડેન્જર્સ સિલસિલો શરૂ થઇ ગયો છે અને ઉપરાછાપરી ત્રણ બર્ડ હિટ્સ નોંધાતા તંત્ર સ્તબ્ધ થઇ ગયું છે! નેશનલ બર્ડ કંટ્રોલ કમિટી દ્વારા અમદાવાદ એરપોર્ટ પર વધતી બર્ડ હિટ્સની ઘટનાઓને ધ્યાનમાં લઇ તેને ‘ક્રિટિકલ’ પણ જાહેર કર્યું છે. છતાંય અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા ઘટતી અને બર્ડહિટની સંખ્યા વધતી દેખાઇ રહી છે.
આજથી એક મહિના અગાઉ અમદાવાદથી મુંબઇ જઇ રહેલી ગો એરની ફ્લાઇટ સાથે પક્ષી અથડાતા ૧૩૪ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. આ ફ્લાઇટને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવી પડી હતી અને તમામ મુસાફરોને ઉતારવા પડ્યા હતા. જ્યારે અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્રેન્કફર્ટ ફ્લાઇટને પણ લેન્ડિંગ સમયે બર્ડહિટ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જો કે તે ઘટના વધુ ગંભીર નહોતી તેથી તેની નોંધ લેવાઇ નહોતી. જ્યારે એના ત્રણ દિવસ બાદ ઇન્ડિગો એરલાઇન્સની કોલકત્તા જઇ રહેલી ફ્લાઇટને પણ બર્ડહિટ નડ્યું હતું અને ૧૧૩ મુસાફરોના શ્વાસ રોકાઇ ગયા હતા.
આ ત્રણેય ઘટનાઓમાં અંદાજે ૫૦૦ જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું જણાતું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બર્ડ હિટની ઘટનાઓ રોકવા તંત્ર પ્રયત્નશીલ છે અને કોર્પોરેશન તથા વન ખાતા સાથે મળીને આ સમસ્યાનું નિકાલ લાવી રહી છે. હાલ પુરતું કોર્પોરેશનની મદદથી એરપોર્ટની નજીકની માંસની દુકાનો હટાવી દેવાઇ છે. જ્યારે વનખાતાની મદદથી પક્ષીઓના માળા હોય તેવા વૃક્ષો ઉતારી લેવાની કવાયત હાથ ધરી છે. તેમ છતાંય ‘બર્ડ’ વિમાનોને ‘હિટ’ અને મુસાફરોને ‘હર્ટ’ કરી જાય છે! આ સિલસિલો ક્યારે રોકાશે એ કહેવું હાલ પુરતું મુશ્કેલ જણાય છે!
ત્રણેય બર્ડહિટની એક સામ્યતા
અમદાવાદ એરપોર્ટને બર્ડહિટ રોકવા માટે આધુનિક સાધનો અપાયા છે. વનમંત્રાલય અને કોર્પોરેશનની મદદ લેવાનું ફરમાન કરાયું છે. છતાંય બર્ડહિટ થાય છે અને તે પણ એરપોર્ટની સીમાની અંદર. ઉકત ત્રણેય બર્ડહિટ અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ પહેલા અથવા લેિન્ંડગ સમયે થયા છે. જે દર્શાવે છે કે પક્ષીઓ એરપોર્ટના માથે જ ઉડી રહ્યાં છે!