ઇસનપુર સમ્રાટનગર સામેથી પસાર થઇ રહેલી બીઆરટીએસ બસના ડ્રાયવરેે રોડ ક્રોસ કરી રહેલા પલ્સર બાઈક ચાલક યુવાનને ટક્કર મારી અડફેટે લીધો હતો. જો કે બસના ડ્રાયવરે બાઈક ચાલકને બચાવવા માટે પૂરતા પ્રયાસ કરતા બસ પણ રેલીંગમાં ઘુસી ગઇ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જો કે આ ઘટનાના પગલે બીઆરટીએસની અન્ય બસો ને તકલીફ ન પડે તે માટે ગણતરીની મીનીટોમાં જ બાઈક અને બસ ઘટના સ્થળેથી હટાવી લેવામાં આવ્યા હતા.
પ્રાપ્તમાહિતી અનુસાર, વટવામાં રહેતો રોનક કૌશિકભાઇ નાયક(ઉ.વ.૨૨) શનિવારે સવારે ૯.૦૦ વાગે ઘરેથી પલ્સર બાઈક લઇને નીકળ્યો હતો. રોનકને સમ્રાટનગર સામેનો બીઆરટીએસનો રુટ ક્રોસ કરીને સામેની સાઈડમાં જવાનું હોવાથી તે રોડ ક્રોસ કરી રહ્યો હતો.
બરાબર તે સમયે ત્યાંથી પૂર ઝડપે પસાર થઇ રહેલી અંજલી થી જશોદાનગરની બીઆરટીએસ બસના ડ્રાયવર મકસુદભાઇએ બાઈક સાથે રોનકને ટક્કર મારી અડફેટે લીધો હતો. જો કે રોનકને બચાવવા માટે મકસુદભાઇએ પૂરતો પ્રયાસ કરતા બસ રેલીંગમાં ઘુસી ગઇ હતી. સદ્દનસીબે અન્ય કોઇ પેસેન્જરને વાગ્યુ ન હતુ. જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રોનકને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
આ અંગે રોનકની ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે મકસુદભાઇ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ અંગે ઇસનપુર પીઆઈ એ.કે.મારવાડાએ જણાવ્યું હતુ કે બીઆરટીએસના તમામ ક્રોસીંગ ઉપર તેમના સિક્યોરીટીના જવાનો તહેનાત રાખવામાં આવે છે. પરંતુ આ ક્રોસીંગ ઉપર સિકયોરીટી જવાન હાજર નહીં હોવાથી અકસ્માત સર્જાયો હતો.