ઓક્ટ્રોયની ગ્રાન્ટ આપવામાં સરકારના ધાંધિયા સામે કોંગ્રેસ બજેટસત્રમાં કાળીપટ્ટી બાંધશે
મ્યુનિ.ના સને ૨૦૧૨-૧૩ના વર્ષના અંદાજપત્ર માટે મ્યુનિ. કોંગ્રેસે રૂપિયા ૨૪૬ કરોડના સુધારા રજૂ કર્યા છે. આ સાથે કોંગીનેતાઓએ કહ્યું હતું કે, રાજ્યની ભાજપ સરકારે ઓકટ્રોય નાબૂદીના વળતર તરીકે મ્યુનિ.ને ગ્રાન્ટ આપવામાં ધાંધિયા જ કર્યા છે અને છેલ્લાં પાંચ વર્ષમાં ૧૮પ૧ કરોડ જેટલી જંગી રકમની ગ્રાન્ટ ઓછી ચૂકવી શહેરીજનો સાથે દ્રોહ કર્યો છે, ઉપરથી નાગરિકો ઉપર વેકેન્ટ લેન્ડ ટેકસ તથા વોટર-કોન્ઝર્વન્સી ટેકસમાં વધારો ઝીંકયો છે, તેના વિરોધમાં મ્યુનિ.ના બે દિવસીય બજેટસત્ર દરમિયાન કોંગ્રેસે કાળીપટ્ટી ધારણ કરવાનો નિર્ણય કર્યો છે.
બજેટમાં પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષીના ટેકા સાથે ૨૪૬ કરોડના સુધારા રજૂ કર્યા બાદ, મ્યુનિ. કોંગ્રેસપક્ષ નેતા બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ગ્રાન્ટ આપવાની મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારે, મ્યુનિ.ને ઓકટ્રોયના વિકલ્પે આપવાની થતી કાયદેસરની ગ્રાન્ટ અપૂરતી ચૂકવી છે તથા તેમાં દર વર્ષે ૧પ ટકા મુજબનો ગ્રોથ પણ આપ્યો નથી. બીજી બાજુ શાસક ભાજપની અણઆવડતના કારણે મ્યુનિ.તિજોરી તળિયા ઝાટક થઈ જવા આવી તેથી શહેરીજનો ઉપર વેરા ઝીંકયા છે. જેનો કોંગ્રેસ વિરોધ કરે છે.
તેમણે કહ્યું હતું કે, શહેરીજનોને રસ્તા, પાણી, ગટર, લાઇટ, બ્રિજ, હોસ્પિટલ વગેરે સુવિધા માટે કોંગ્રેસપક્ષે ૨૪૬ કરોડની જોગવાઇ કરી છે અને રાજય સરકાર ગ્રાન્ટના બાકી નાણાં ચૂકવી દે તો કોઇ કરબોજ લાદવાની જરૂર ન પડે અને ઉપરથી મ્યુનિ.નુ દેવું ૬૭૭ કરોડ(અંદાજિત) છે તે પણ ચૂકતે કરી શકાય.
બજેટની ચર્ચામાં ભાગ લેવા મુદ્દે કોંગ્રેસમાં ડખા
મ્યુનિ.ના અંદાજપત્ર ઉપર સુધારા રજૂ કરી ચર્ચામાં ભાગ લેવાના મામલે કોંગ્રેસના કોર્પોરેટરોમાં જ ડખા ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, જનરલ બજેટમાં ચર્ચા કરવાને બદલે વી.એસ.હોસ્પિટલના બજેટ ઉપર ચર્ચા કરવાની જવાબદારીમાંથી બે કોર્પોરેટરો છટકી ગયા છે. જયારે એમ.જે.ના બજેટની દરખાસ્ત-ટેકાના મામલે પણ એક કોર્પોરેટરે વાંધો ઉઠાવતાં તૈયારી કરનાર કોર્પોરેટર નારાજ થયા હતા.
મ્યુનિ. બજેટમાં કોંગ્રેસના સુધારા ઊડતી નજરે
વેકેન્ટ લેન્ડ, વોટર કોન્ઝર્વન્સી, વ્હીકલ ટેકસમાં વધારો અસ્વીકાર્ય
નવા પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોનમાં જનરલ હોસ્પિટલ બનાવવી
નવા વિસ્તારોમાં હજુ વિકાસકામો થયાં નથી ત્યાં ન.પા.ના દરે ટેકસ
સ્ટેમ્પડયૂટી-વેટની આવકનો ૧૦ ટકા હિસ્સો મ્યુનિ.ને ચૂકવવો જોઇએ
ગાંધી આશ્રમ તથા દાંડીપુલનો વિકાસ કરવાની દરખાસ્ત
૭પ વર્ષથી વધુના વૃદ્ધો માટે મફત મુસાફરી અને તબીબી સારવાર
રોડ સેફટી માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ
જુનાવાડજ, જમાલપુર, સરખેજ વગેરે વિસ્તારોમાં કોમ્યુનિટી હોલ
એમ્બ્યુલન્સ અને શબવાહિની સેવા વિનામૂલ્યે પૂરી પાડવી
પાલડી, નહેરુનગર, અંજલિ તથા સ્ટેડિયમ સર્કલ ખાતે ફલાય ઓવર
મ્યુનિ.નું પોતાનું આગવું સરકિટ હાઉસ બનાવવું
જુદા જુદા વિસ્તારોમાં મલ્ટિલેવલ પાકિગ કોમ્પ્લેકસ બનાવવા
એસ.ટી.ના બંને સ્ટેશનને જોડતો અંડરપાસ બનાવવો
મ્યુનિ. અધિકારીઓ અને કોન્ટ્રાકટરની જવાબદારી ફિકસ કરો