અમદાવાદમાં કરોડપતિ બનવા ભાઈએ બહેનની હત્યા કરી

- પૈસા માટે ૧૬ વર્ષના પુત્રએ માતા-પિતાની હત્યાનું ષડ્યંત્ર રચ્યુ
- વટવા વિસ્તારમાં સર્જાયેલી ઓનર કિલિંગની ઘટના
- ફિલ્મોમાંથી પ્રેરણા લઈ રાતોરાત ધનવાન બનવા કિશોરે આચરેલું કૃત્ય
ફિલ્મો અને ટીવી સિરિયલોનું અનુકરણ કરીને રાતો રાત લખપતિ અને કરોડપતિ બનવાની ઘેલછામાં કેટલાય યુવાનો ગુનાખોરીના રવાડે ચડી જાય છે. પરંતુ વટવામાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારના ૧૬ વર્ષના દીકરાએ રાતો રાત ધનવાન બનવા માટે તમામ હદો પાર કરી કાઢી હતી.
ફિલ્મોનું અનુકરણ કરીને પિતાનું ૩૦ લાખનું મકાન પડાવીને ધનવાન બનવા આ દીકરાએ માતા-પિતા અને સગી મોટી બહેનની હત્યાનું ષડ્યંત્ર રચી કાઢયું હતું.ઓનર કિલિંગની આ ઘટનાની શરૂઆત તેણે રવિવારે મોડી રાતે ઘરમાં બાજુની પથારીમાં સૂઇ રહેલી બહેનનું ગળું ધારિયા વડે કાપીને કરી હતી.જો કે લોહી લુહાણ હાલતમાં તરફડિયાં મારી રહેલી બહેનને જોઇને ભયભીત બનેલા ભાઇએ માતા-પિતાને મારવાનો પ્લાન પડતો મૂકી દીધો હતો અને તેમની શરણે થઇ ગયો હતો.પરંતુ બહેનને બચાવી શક્યા ન હતા.
વિરમગામના વતની મહાદેવભાઇ દેવજીભાઇ કાળિયા (૪૫) સાત વર્ષથી પત્ની સુમિત્રાબહેન અને બે દીકરી હેતલ (૧૮) અને દીકરા અરુણ(૧૬) સાથે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી આસોપાલવ સોસાયટીમાં રહેતા હતા. મહાદેવભાઇ વટવા જીઆઈડીસીમાં વેર-બોર કંપનીમાં નોકરી કરતા હતા. જ્યારે હેતલ ઇસનપુરની જયોતિ વિદ્યાલયમાં ધોરણ-૧૨ માં અભ્યાસ કરતી હતી.
અરુણ ચાલુ વર્ષે ધોરણ-૧૦ માં ૫૪ ટકા ગુણથી પાસ થયો હતો અને હાલમાં તેને એન્જિનિયરિંગમાં એડમિશન માટે પ્રક્રિયા ચાલી રહી હતી. જ્યારે વિરમગામમાં રહેતાં સુમિત્રાબહેનના સગાભાઇ અશોકભાઇના બે બાળકો દીકરી નેહા(૧૦) અને દીકરો દિનેશ(૭) વર્ષ પણ બે વર્ષથી મહાદેવભાઇના ઘરે રહીને અભ્યાસ કરતા હતા.
રવિવારે રાતે ૮.૩૦ વાગ્યે જમી પરવારીને પરિવારના સભ્યો બેઠા હતા ત્યારે હેતલે અરુણને ઠપકો આપ્યો હતો કે તું થોડી વધારે મહેનત કરીને સારા ટકા લાવ્યો હોત તો તારા એડમિશન માટે પપ્પાને આટલી દોડધામ કરવી પડી ન હોત. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં સુમિત્રાબહેને વચ્ચે પડીને બંનેને શાંત પાડ્યા હતા. ત્યારબાદ સુમિત્રાબહેન અને મહાદેવભાઇ ઘરના મુખ્ય દરવાજાને તાળું મારીને ફિળયામાં સૂઇ ગયા હતા. જ્યારે ચારેય બાળકો ઘરમાં સૂતા હતા.પરંતુ અરુણને મોડી રાત સુધી ફિલ્મો જોવાની ટેવ હોવાથી તે એક ચેનલ ઉપર મદ્રાસી ફિલ્મ જોઇ રહ્યો હતો. જેમાં હીરો ઘર વેચીને પૈસા મેળવીને તે પૈસા હીરાના ધંધામાં રોકે છે અને ગણતરીના દિવસોમાં લખપતિ અને તેમાંથી કરોડપતિ બની જાય છે. જેથી પોતે પણ તે હીરો જેવો બનવા માંગતો હતો,પણ પૈસા ન હતા.જેથી પૈસા માટે તેણે માતા-પિતા અને બહેનને મારીને ઘર વેચે દેવાનું નક્કી કરી લીધું.
આ યોજના પાર પાડવા તેણે સૌથી પહેલો ટાર્ગેટ મોટી બહેન હેતલને બનાવી હતી. રવિવારે રાતે ૩.૦૦ વાગ્યે હેતલ જ્યારે ભર ઊંઘમાં હતી ત્યારે અરુણ ઘરમાં પડેલું ધારિયું લઇ આવ્યો હતો અને ઉપરા છાપરી ત્રણ ઘા મારી હેતલનું ગળું કાપી નાખ્યું હતું. આ ર્દશ્ય જોઇને બાજુમાં સૂઇ રહેલો દિનેશ અને નેહાએ બૂમાબૂમ કરતાં મહાદેવભાઇ અને સુમિત્રાબહેન તાળું ખોલીને ઘરમાં દોડી આવ્યાં હતાં અને જોયું તો હેતલ લોહીલુહાણ હાલતમાં પડી હતી. પહેલા તો હેતલને સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સવારે ૫.૪૦ વાગ્યે ડોક્ટરે તેને મૃતક જાહેર કરી હતી. આ અંગે વટવા પોલીસે અરુણની ધરપકડ કરીને તેને શાંતિથી બેસાડીને પૂછપરછ કરતા તેણે પૈસા માટે માતા-પિતા અને બહેનની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
માતા-પિતા હત્યાકાંડના સાચા કારણથી અજાણ :
ઘરમાં સર્જાયેલા હત્યાકાંડ અંગે મહાદેવભાઇએ વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી,જેમાં તેમણે લખાવ્યું હતું કે અરુણને ધોરણ-૧૦ માં ૫૪ ટકા આવ્યા હતા. જેના કારણે તેને એન્જિનિયરિંગમાં એડમિશન લેવામાં તકલીફ પડે તેમ હતી. તેમ છતાં તેને એડમિશન અપાવવા તેઓ દોડાદોડી કરી રહ્યા હતા. આ બાબતે જ રવિવારે રાતે ભાઇ-બહેન વચ્ચે ઝઘડો થયો હોવાની અદાવત રાખીને અરુણે હેતલની હત્યા કરી હતી.
મોડી રાતનો ઘટના ક્રમ :
૮:૩૦ વાગ્યે પરિવારના સભ્યો સાથે જમ્યા હતા
૯:૩૦ વાગ્યે હેતલ અને અરુણ વચ્ચે ઝઘડો થયો
૧૦:૩૦ વાગ્યે પરિવારના સભ્યો સૂવા ગયા
૧૧:૦૦ વાગ્યાથી અરુણ મદ્રાસી ફિલ્મ જોતો હતો
૨:૦૦ વાગ્યે ફિલ્મ પૂરી થતાં અરુણ સૂઇ ગયો હતો
૨:૪૫ વાગ્યે નેહા ઊઠી ત્યારે અરુણ જાગ્યો હતો
૩:૦૦ વાગ્યે અરુણે હેતલનું ધારિયાથી ગળું કાપ્યું
૫:૪૫ વાગ્યે એલજી હોસ્પિટલમાં હેતલનું મોત નિપજ્યું
પૈસા માટે હત્યા કરી :
પીઆઈ રામ કુંભરવાડિયાએ જણાવ્યું હતું કે અરુણ ફિલ્મો જોવાનો શોખીન હતો. જે ફિલ્મોમાં હીરો ચોરી-લૂંટ કરીને કરોડપતિ બની જાય છે તેવી ફિલ્મો તેને પ્રિય હતી. જેનું અનુકરણ કરીને તેણે માતા-પિતા અને બહેનની હત્યાનું કવતરુ ઘડ્યું હતું.
મસ્તક ખોળામાં રાખ્યું :
અરુણે ધારિયા વડે હેતલનું ગળું કાપી તો નાખ્યું પણ લોહીના ફુવારા અને લોહીલુહાણ હાલતમાં પડેલી બહેનને જોઇને તે હિંમત હારી ગયો હતો અને હેતલની પથારીમાં ધારિયું મૂકીને તેના ખોળામાં હેતલનું માથું રાખીને બેસી ગયો હતો.







