ઈન્કમટેક્સવિભાગે વટવાની બોદલ કેમિકલ પર પાડેલા દરોડાની કાર્યવાહી બીજા દિવસે પણ ચાલુ છે. આ દરોડા દરમિયાન બોગસ શેર કેપિટલ ઊભી કરી હોવાના અને ખરેખર થયેલી ખરીદીથી વધુ ખરીદી થઈ હોવાના કાગળો ડિપાર્ટમેન્ટને હાથ લાગ્યા છે. ૪ બેંક લોકર સીલ કરવામાં આવ્યા છે અને પ૦ લાખનું ઝવેરાત તથા ૧૦ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે.
ઈન્કમટેક્સનાં સૂત્રોના જણાવ્યા અનુસાર આ કંપની ધન લાભ ટ્રેડિંગના નામે સ્ટોક માર્કેટમાં પણ છે. સુરેશ પટેલના નજીકના પરિવારની વ્યક્તિને ચલાવવા આ કંપની અપાઈ છે પરંતુ પડદા પાછળનો દોરીસંચાર અને અંકુશ તેમનો જ છે. આ કંપની સામે ઓગસ્ટ ૨૦૧૧માં સેબીએ ઈન્કવાયરી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અધિકારીઓને બોગસ ખરીદી અને વધુ થયેલી ખરીદીના આંકડા કરતાં વધુ પડતી રકમ બેલેન્સશીટમાં દર્શાવી હોવાનું પ્રાથમિકસ્તરે મળ્યું છે.
આ રીતે નફો છુપાવીને કરોડોનો ઈન્કમટેક્સ બચાવાયો હોવાનું અધિકારીઓનું માનવું છે. ડિપાર્ટમેન્ટે ઓર્ગેનિકસના ધંધામાં કામ કરતી આ ગ્રૂપની અન્ય કંપની શાંતિ ઈનારગો પર પણ તપાસ હાથ ધરી છે. હાલમાં વટવામાં આવેલી ચાર-પાંચ ફેકટરી પર સીલ મરાયા છે.