>>મધ્યમ વર્ગ માટે ઔડા બે રૂમ-રસોડા સાથે મકાનો બનાવશે
>>બી.યુ. આપવાની ઝુંબેશમાં ૧૦ દિવસમાં ૧૨૫ ફાઇલોનો નિકાલ
ઔડા દ્વારા આગામી એક વર્ષમાં શહેરની આજુબાજુના વિસ્તારોની ૫૦ ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરી દેવાશે એમ ઔડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહે જણાવ્યું હતું, તેમજ મધ્યમ વર્ગ માટે બે રૂમ-રસોડાનાં મકાનો તૈયાર કરવાનું આયોજન ટૂંક સમયમાં હાથ ધરાશે એમ પણ જણાવ્યું હતું.
ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, ઔડાની હદમાં નવા વિસ્તારોનો સમાવેશ કરાયા બાદ હવે આ વિસ્તારોનો આયોજનબદ્ધ વિકાસ થાય તે જરૂરી છે અને તેના માટે આગામી એક વર્ષમાં ૫૦ ટાઉન પ્લાનિંગ સ્કીમો તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ટી.પી. ઝડપથી તૈયાર થાય તે માટે મ્યુનિ.માંથી સ્ટાફની મદદ લેવાશે.
તેમણે જણાવ્યું કે, ગરીબ આવાસ યોજનાનાં પાંચ હજાર મકાનો તૈયાર છે. બાકીનાં મકાનો છ માસમાં તૈયાર થઈ જશે. એ પહેલાં એપ્રિલમાં ૮૦૦૦ અરજીઓનો ડ્રો કરી દેવામાં આવશે, તેમજ મકાનોના વધતા જતા ભાવને ધ્યાનમાં રાખી ઔડા મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી બે રૂમ-રસોડાનું મકાન તૈયાર કરવાનું આયોજન ટૂંક સમયમાં હાથ ધરશે.
ઔડાએ નવાં બાંધકામોના બી.યુ. પરમશિન માટે પડતર એવી રરપ ફાઇલોનો નિકાલ કરવા છેલ્લા ૧૦ દિવસથી હાથ ધરેલી ઝુંબેશના ભાગરૂપે ૧૨૫ ફાઇલોનો નિકાલ કર્યો છે, જેનાથી ઔડાને R ૪૦ કરોડની આવક થશે. તેમજ ૫૦ ફાઇલો એવી છે કે જેમને મ્યુનિ.માંથી સ્પષ્ટતા આવ્યા બાદ તુરંત જ બી.યુ. આપી દેવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય નવા ૬૪ ગામોના વિકાસની યોજના તૈયાર કરવાની કામગીરી ઔડા દ્વારા શરૂ કરી દેવાઈ છે. વિકાસ નકશો તૈયાર થયા બાદ ટાઉન પ્લાનિંગ સ્કીમનું કામ ઔડા દ્વારા હાથ ધરાશે.