એસજી હાઈવે ઉપર ગ્રાન્ડ ભગવતી હોટેલ સામે આવેલા નિરમાના પાર્કિંગ પ્લોટમાં ત્રાટકેલા સશસ્ત્ર લુટારુઓએ વોચમેન તેમજ ડ્રાઇવર-ક્લીનર ઉપર હુમલો કરી ત્રણ બસની ડીઝલ ટેન્કમાંથી ૩૫૦ લિટર ડીઝલની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી દીધી હતી.
સાણંદ તાલુકાના નૈનપુર ગામ ખાતે રહેતા ભીખાભાઇ બિજલભાઇ દેસાઇ(ઉ.વ.૫૪) એસજી હાઈવે ઉપર ગ્રાન્ડ ભગવતી હોટેલ સામે આવેલા નિરમાની બસના પાર્કિંગ પ્લોટ ઉપર ૨૪ કલાક માટે ફરજ ઉપર તહેનાત કરવામાં આવ્યા હતા. આ પાર્કિંગપ્લોટમાં બસો પાર્ક કરવા ઉપરાંત ડ્રાઇવર-ક્લીનરોને રહેવા માટે છ ઓરડી બનાવવામાં આવી છે.
તા.૭ સપ્ટેમ્બરના રોજ ભીખાભાઇ ફરજ ઉપર હાજર થયા હતા તે રાતે વરસાદ બહુ પડ્યો હોવાથી ડ્રાઇવર વીરાભાઇ બસમાં જ સૂઇ ગયા હતા અને ભીખાભાઇ પણ તેમની સાથે તે જ બસમાં બેઠા હતા. જ્યારે અન્ય એક બસનો ભાઉ નામનો ડ્રાઇવર પણ બાજુની બસમાં સૂઇ ગયો હતો.
લગભગ રાતે ૨.૦૦ વાગે બે માણસો બસમાં ચઢી આવ્યા હતા અને ભીખાભાઇનું મોઢું દબાવી તેમને ગરદાપાટુનો માર માર્યો હતો. જો કે આ ઘટનાનાં પગલે વીરાભાઇ જાગી જતાં અન્ય બે માણસો બસમાં ચઢી આવ્યા હતા અને તેમણે પણ વીરાનું મોઢું દબાવી તેની ધોલાઇ કરી હતી.
દરમિયાનમાં બાજુની બસમાં સૂઇ રહેલા ભાઉ અવાજ સાંભળીને જાગી ગયા અને વીરાભાઇ અને ભીખાભાઇ જે બસમાં હતા તે બસમાં આવતા લુટારુઓના અન્ય ચાર સાગરિતો હાથમાં ત્રિકમ-પાવડાના લાકડાના હાથા સાથે આવી પહોંચ્યા હતા અને ભાઉ ઉપર હુમલો કરી તેને પણ બસમાં બેસાડી દીધો હતો. ત્યારબાદ આ ટોળકીએ મશીનથી પાઈપ વાટે ત્રણ બસની ડીઝલ ટેન્કમાંથી રૂ.૧૪,૦૦૦ ની કિંમતનું ૩૫૦ લિટર ડીઝલ લૂંટી લીધું હતું અને આઈશર ગાડીમાં ફરાર થઇ ગયા હતા. આ અંગે ભીખાભાઇએ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.