શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યને લગતી બાબતોને ગંભીરતાથી લઈ મ્યુનિ.કમિશનર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રાએ છ ઝોનના ડે. કમિશનર અને હેલ્થખાતાના અધિકારીઓની બેઠકમાં હવે બેદરકારી નહીં ચલાવી લેવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ દોડતા થયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સવારે રોડ સફાઈમાં દેખરેખ રાખતા થઈ ગયા છે અને તેના પગલે ઘણી સ્વચ્છતા જોવા મળી રહી છે.
તે સાથે ખાદ્યપદાર્થોમાં ભેળસેળથી નાગરિકોના આરોગ્યને થતી હાનિ રોકવા માટે હોટલો-રેસ્ટોરાં, ખાણીપીણીની લારીઓ વગેરેમાં કડક ચકાસણી કરીને અખાદ્ય પદાર્થોનો નાશ કરવાની કાર્યવાહી મોડી રાત સુધી ચાલી રહી છે, તેના ભાગરૂપે મણિનગર વિસ્તારમાં ખાણીપીણી બજારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સના વેપારીઓને પણ રસ્તા ઉપર કચરો ફેંકવા બદલ નોટિસ બાદ દંડ ફટકારવામાં આવશે.