છેલ્લા કેટલાક સમયથી પોલીસે વાહન ચેકિંગ સઘન બનાવી દીધું છે. આ કવાયતના ભાગરૂપે વાહનચાલકની પાસે લાઈસન્સની સાથે વાહનના કાગળો પણ માગવામાં આવે છે. જોકે, પોલીસ કર્મચારીઓ વાહનના કાગળો જોવા માગે ત્યારે મોટાભાગના નાગરિકોની આંખના ભવાં ચડી જાય છે. પરંતુ પોલીસ અધિકારીઓના મતે ગુનાખોરી ડામવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. કારણકે લાઈસન્સ અને કાગળોની ચકાસણી દરમિયાન કેટલાક કિસ્સાઓમાં પોલીસ દ્વારા વાહનો ડિટેઈન કરવામાં આવે છે અને ડિટેઈન થયેલા આ વાહનોના કારણે ઘણા ગુનાના ભેદ ઉકેલાવામાં પોલીસને સફળતા મળી છે.
શહેરના સંયુક્ત પોલીસ કમિશનર ( સેક્ટર-૧) સતીષ શર્માનો દાવો છે કે વાહનોની ચકાસણીની કામગીરીથી ચેઇન સ્નેચિંગ, લૂંટ જેવા ગંભીર પ્રકારના ગુનાઓના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.
ગુના ઘટાડવા પોલીસે શું કર્યું ?
લૂંટ, ચેઇન સ્નેચિંગ તેમ જ વાહનચોરીના ગુના ઘટાડવા માટે શહેર પોલીસે શહેરમાં ૬૭ સ્થળોએ નાકાબંધી કરી છે. જેના કારણે ગુનાખોરી ઘટી હોવાનું પોલીસ માને છે. ઓગસ્ટ -૦૯ સુધીમાં ચેઇન સ્નેચિંગના ૨૯૦ ગુના થયા હતા. તેની સરખામણીમાં ચાલુ વર્ષે ૨૦૭ ગુના નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ ગુનાખોરીની સંખ્યા ૨૯ ટકા ઘટી છે. તે જ રીતે ગત વર્ષે વાહન ચોરીના ૧૭૫૫ ગુનાઓ હતા. જેની સંખ્યામાં ૩૬૫નો ઘટાડો આવ્યો છે.
ઓગસ્ટમાં જ ૨૦૪૩ વાહન ડિટેઈન
ઓગસ્ટ મહિનામાં પોલીસ દ્વારા ૧,૧૬,૦૦૦ વાહનોની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી ૨૦૪૩ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ડિટેઈન થયેલા વાહનોમાંથી ૧૫૧ વાહનોના માલિકોએ હજુ સુધી પોલીસે સંપર્ક કર્યો નથી. તેથી પોલીસનું માનવું છે કે અનકલેઈમ પડેલા વાહનોની મદદથી આગામી સમયમાં ચેઈન સ્નેચિંગ સહિતના ગુનાઓનો ભેદ ઉકેલી શકાશે.
ડિટેક્શનનો રેટ વધારવા પ્રયાસ
ગુનાખોરી ડામવાની સાથે ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ જાય છે. ઓગસ્ટ-૦૯ સુધીમાં લૂંટના ૨૯૦ ગુનામાંથી માત્ર ૫૪ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. તે જ રીતે ચાલુ વર્ષે ૨૦૭માંથી ૧૬ ગુનાનો જ ભેદ ઉકેલાયો છે. ચેઇન સ્નેચિંગના ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ચેઇન સ્નેચિંગના ગુનામાં અગાઉ પકડાયેલાં ૩૫૦ જણાંની યાદી બનાવી હતી.
આ યાદીના આધારે શહેર પોલીસે ચકાસણી કરીને તમામ આરોપીઓની રાઉન્ડઅપ કર્યા હતા. તેમાં વેજલપુર પોલીસે એક આરોપીને પકડીને ૪ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
‘ચેકિંગમાં આર.સી. બુકની ઝેરોકસ પણ બતાવી શકાય’
પ્રશ્ન: વાહન ચેકિંગ દરમિયાન પોલીસ કાગળો માગે છે. શું તે વાજબી છે ?
જવાબ: પોલીસ દરેક લોકોને રોકતી નથી. પરંતુ શંકાસ્પદ હોય તેમના જ વાહન ચેક કરે છે.
પ્રશ્ન:કદાચ કોઈનું વાહન ચોરાઈ જાય તો વાહનમાં મૂકેલી આર.સી. બુક પણ જતી રહે ને?
જવાબ: અસલ કાગળો સાથે રાખવાની જરૂર નથી. પ્રજા આર.સી. બુકની ઝેરોક્ષ નકલ રાખી શકે છો.
પ્રશ્ન: વાહનોના ચેકીગથી ગુના ઉકેલવામાં સફળતા મળે છે ?
જવાબ: હા, ગુના ઉકેલવામાં તેમ જ ગુનાખોરી ઘટાડવામાં જરૂર સફળતા મળી છે. કોઇ ઘટના બને તો અમે પોઇન્ટ પર હાજર પોલીસને એસ.એમ.એસ. દ્વારા પણ કોઇ અપહરણ, લૂંટ કરીને નાસી છુટેલાં આરોપીઓના ગાડી નંબર પણ મોકલી દઈએ છીએ.
સતીષ શર્મા, સંયુક્ત પોલીસ કમિશનર (સેક્ટર-૧), અમદાવાદ શહેર
ડીસીપીના મેસેજને ઘોળીને પી જવાયો
શહેર પોલીસ કંટ્રોલરૂમના ડીસીપી ડી.એચ. પરમારે ગઈ તા.૯-૮-૧૦ના રોજ બપોરે ૧-૩૦ વાગ્યે એસ.એમ.એસ. કરીને દરેક પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરવામાં આવેલા અને સાત દિવસ કરતા વધુ સમય માટે અન-કલેઇમ પડી રહેલા વાહનોના માલિકો બાબતે આર.ટી.ઓ.માં તપાસ કરી ત્રણ દિવસમાં અહેવાલ મોકલી આપવા તાકીદ કરી હતી. છતાં પોલીસે તેની ગંભીરતા નહીં લેતા ફરીવાર તા.૨૦-૮-૧૦ના રોજ સાંજે ૫-૫૫ વાગે પણ મેસેજ મોકલ્યો હતો. જોકે, પોલીસ સ્ટેશનોએ આ મેસેજને પણ ગંભીરતાથી લીધો નહીં.
છેવટે સંયુક્ત કમિશનરે મેસેજ મોકલ્યો
સેક્ટર-૧ના સંયુક્ત પોલીસ કમિશનર સતીષ શર્માએ તા.૨૫-૮-૧૦ના રોજ બપોરે ૧૨ વાગ્યે દરેક પોલીસ સ્ટેશનને ફરીથી આદેશ આપ્યા. જે મુજબ પોલીસ સ્ટેશનમાં વાહનચેકીગ દરમ્યાન ડિટેઇન કરવામાં આવેલા વાહનો અઠવાડિયા કરતાં વધુ સમયથી છોડાવવામાં ના આવ્યા હોય તેવા કિસ્સામાં વાહનોની સંખ્યા, ચેસિસ નંબર, એન્જિન નંબરની માહિતી આપવા માટે અગાઉ જણાવવામાં આવ્યુ હતુ. સંયુક્ત કમિશનરની કડક સૂચના બાદ પોલીસ સ્ટેશનોએ વાહન ચેકિંગની વિગતો મોકલી હતી.