નારોલથી નરોડા સુધીના બીઆરટીએસના કોરિડોર ત્રણ ભાગમાં પ્લાન્ટેશન, લેન્ડસ્કેપિંગ અને મેઇન્ટેનન્સ માટે સ્પોન્સર મળી જવાના મ્યુનિ. સત્તાધીશોના મોટા મોટા દાવા ખોટા પુરવાર થયા છે અને આખરે કરોડો રૂપિયાના ખર્ચે કામ કરાવવાની દરખાસ્ત સ્ટે.કમિટીમાં મંજુર કરવામાં આવતાં મ્યુનિ. વર્તુળોમાં ચર્ચા ચકડોળે ચઢી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બીઆરટીએસના નારોલથી નરોડા સુધીના કોરિડોરમાં બસ સ્ટેન્ડના આઇલેન્ડ, જંક્શનના આઇલેન્ડ તથા બીઆરટીએસ મીડીયનમાં લેન્ડસ્કેપિંગ તથા પ્લાન્ટેશન કરવા તેમજ બે વર્ષ સુધી મેઇન્ટેનન્સ કરવા માટે મ્યુનિ. શાસક ભાજપની સૂચનાથી વહીવટીતંત્ર દ્વારા નારોલથી એક્સપ્રેસ વે જંક્શન સુધી, એક્સપ્રેસ વે જંક્શનથી વિરાટનગર જંક્શન સુધી તથા વિરાટનગર જંક્શનથી નરોડા પાટિયા સુધી એમ ત્રણ ભાગ પાડીને ટેન્ડર મગાવ્યાં હતાં.
તેમાં નારોલથી એક્સપ્રેસ વે સુધીના કોરિડોર માટે ૭૯.૩૨ લાખના ખર્ચે, એક્સપ્રેસ વે જંક્શનથી વિરાટનગર જંક્શન સુધીના કોરિડોર માટે ૯૦.૮૭ લાખના ખર્ચે તથા વિરાટનગરથી નરોડા પાટિયા સુધીના કોરિડોર માટે ૬૭.૯૫ લાખના ખર્ચે પ્લાન્ટેશન અને લેન્ડસ્કેપિંગ કરાવવા માટે ત્રણ કંપનીઓના ટેન્ડર મંજુર કરવામાં આવ્યાં હતાં અને તેને સ્ટે.કમિટીમાં મંજુરી માટે મૂકવામાં આવતાં હોબાળો મચવાના તથા કોંગ્રેસ વિરોધ કરશે તેવા ભયથી તે સમયે સ્પોન્સર શોધવાના નામે કામ બાકી રાખવામાં આવ્યું હતું.
ત્યારબાદ અચાનક જ સ્ટે. કમિટીમાં કરોડોનાં ટેન્ડર મંજુર કરવાની વિવાદાસ્પદ દરખાસ્ત ફરી લાવવામાં આવી હતી અને શાસક ભાજપે કોંગ્રેસના વિરોધને ફગાવી દઈ દરખાસ્તને બહાલી આપી દેતાં એવો બચાવ કર્યો હતો કે, હવે કમિશનરને તમામ સત્તા સુપરત કરવામાં આવી છે.
જો કે મ્યુનિ. કોંગ્રેસ નેતા સુરેન્દ્ર બક્ષીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં જ નહીં રાજ્યમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે સંબંધ ધરાવતા ભાજપ નેતાઓ શોભા વધારવાના કામ માટે કોઈને સ્પોન્સર તરીકે શોધી શક્યા નહીં તે જોતાં તેમને ત્રણ ટેન્ડર મંજુર કરવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે.