આજે ગુજરાતમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોની બેઠકો પણ સંપૂર્ણ ભરાતી નથી
રાજ્યમાં બે વર્ષ પહેલાં પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશના અભાવે ગુજરાતના વિદ્યાર્થીઓને અન્ય રાજ્યમાં પ્રવેશ માટે જવાનો વારો આવતો હતો, પરંતુ બે વર્ષમાં જ સ્થિતિ કંઈક એવી બદલાઈ છે કે હવે ગુજરાતમાં જ પ્રોફેશનલ કોર્સની બેઠકો ભરવા કોલેજોને વલખાં મારવાં પડે છે. ચાલુ વર્ષે એમબીએમાં ૩૦૦૦ અને પીટીસીમાં ૧૯૦૦૦ બેઠકો ખાલી રહી છે તે ઉપરાંત એન્જિનિયરિંગ, ફાર્મસીની ઢગલાબંધ બેઠકો વિદ્યાર્થીઓના અભાવે ખાલી પડી છે.
ગુજરાતમાં પ્રોફેશનલ કોર્સની બેઠકો અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછી હોવાથી વિદ્યાર્થીઓને આ કોર્સમાં પ્રવેશ માટે ગુજરાત બહાર જવું પડતું હતું. જો કે ત્યાર બાદ તબક્કાવાર ગુજરાતમાં પ્રોફેશલન કોર્સની બેઠકોમાં વધારો કરાયા બાદ આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતી પ્રોફેશનલ કોર્સની બેઠકો પણ સંપૂર્ણ ભરાતી નથી.
એન્જિનિયરિંગની વાત કરીએ તો આમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો ખૂબ જ મોટા પ્રમાણમાં ધસારો જોવા મળે છે. ચાલુ વર્ષે એડમિશન કમિટી દ્વારા ૩૨ હજાર કરતાં વધુ બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ત્રણ તબક્કા બાદ પણ બેઠકો સંપૂર્ણ ભરાઈ ન હતી. અંતે ડિગ્રી એન્જિનિયરિંગમાં ૧૪૧૧ બેઠકો ખાલી રહી હતી. આ ઉપરાંત ડિપ્લોમા એન્જિનિયરિંગમાંથી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે પણ ૧૬૦થી વધુ બેઠકો ખાલી પડી છે.
એન્જિનિયરિંગની જેમ ફાર્મસીની સ્થિતિ પણ સારી નથી. ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ કાર્યવાહીના અંતે ૩૫૫૧ બેઠકો ખાલી પડી છે અને ડિપ્લોમા ફાર્મસીમાં પણ ૪૮૦ બેઠકો ખાલી રહી છે, જ્યારે ડિપ્લોમામાંથી ડિગ્રી ફાર્મસીમાં પણ વિદ્યાર્થીઓ મળ્યા ન હતા અને આ અભ્યાસક્રમની પણ ૧૭૦૦ બેઠકો ખાલી પડી હતી.
એમબીએ અભ્યાસક્રમ માટે એક સમયે R પાંચ લાખ સુધીના ડોનેશન ભરીને પણ બેઠકો મળતી ન હતી, ત્યાં આજે સ્થિતિ કંઈ અલગ જ છે. રાજ્યમાં આવેલી એમબીએ કોલેજોની બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાયા બાદ એમબીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ બન્યા હતા. એમબીએમાં અધધધ... કહી શકાય તેટલી ત્રણ હજાર જેટલી બેઠકો ખાલી રહી છે.
પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ પીટીસી અભ્યાસક્રમોની જોવા મળી છે. પીટીસીની રાજ્યમાં આવેલી ૩૩ હજાર બેઠકો પૈકી અડધી બેઠકો પર પણ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો ન હોઈ જંગી કહી શકાય તેટલી બેઠકો ખાલી પડી છે. માત્ર ૧૪ હજાર વિદ્યાર્થીઓએ જ પીટીસીમાં પ્રવેશ લીધો છે અને ૧૯ હજાર જેટલી બેઠકો હજુ પણ વિદ્યાર્થીઓના અભાવે ખાલી પડી છે.
બેઠકો ખાલી રહેવાનાં કારણો
બેઠકોમાં ધરખમ વધારો
ડિગ્રી એન્જિનિયરિંગમાં ચાર હજાર જેટલી બેઠકો વધી
ડિગ્રી ફાર્મસીની બેઠકોમાં પણ બે હજારનો વધારો
એમબીએમાં નવી કોલેજોની મંજુરી બાદ બે હજાર બેઠકો વધી
ડિપ્લોમા ફાર્મસીની બેઠકોમાં દોઢ હજારનો વધારો
ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરીની બેઠકોમાં ૪૦૦ નો વધારો
ઓછી ટકાવારી જવાબદાર
પ્રોફેશનલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓછા ટકા મેળવનાર વિદ્યાર્થીઓ ફોર્મ ભરવા ઉપરાંત રાજ્ય બહાર પણ પ્રવેશ માટે અરજી કરતા હોય છે. જો કે ગુજરાતમાં પ્રથમ કે દ્વિતીય કાઉન્સેલિંગ સુધી આવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો ન હોઈ તેઓ રાજ્ય બહાર પ્રવેશ મેળવી લેતા હોય છે..