રાજ્યમાં સાર્વત્રિક વરસાદ: અમીરગઢમાં મેઘતાંડવ, ૧૧ ઇંચ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ: ર૪ કલાકમાં રાજ્યના ૪૨ તાલુકાઓમાં બેથી અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો ...અને આ બાજુ ગુજરાત નજીકના જાલોર પાસે સિયાણામાં પૂરમાં બસ તણાઈ, આબુમાં ૧૨ ઈંચ વરસાદ
બનાસકાંઠાના અમીરગઢમાં મેઘતાંડવને પગલે ૨૪ કલાકમાં ૧૧ ઇંચ જેટલો વરસાદ ખાબકતાં રાજ્યનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે દાંતામાં ૧૦ ઇંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ૧૦ ઇંચ અને ઇડરમાં ૯ ઇંચ વરસાદ વરસતાં સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કુલ ૧૦૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો, જેમાં ૪૨ તાલુકામાં બેથી અગિયાર ઇંચ અને ૬૧ તાલુકામાં અડધાથી એક ઇંચ વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને મળેલા અહેવાલ મુજબ તા. ૧૧મી જુલાઈને બુધવારે સવારે ૭. કલાકે પૂરા થતા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ૧૧ ઇંચથી વધુ અને દાંતામાં ૧૦ ઇંચ વરસ્યો હતો. જેને પગલે બનાસ, બાલારામ, બબુકારી અને કલોડી નદીમાં પાણીનો પ્રવાહ ભયજનક સપાટીએ પહોંચ્યો હતો.
તેમજ નદીમાંથી પસાર થતા માર્ગો પર પાણી ફરી વળતાં અમીરગઢના ૧૨ અને વિરમપુર પંથકનાં ૩૪ મળીને કુલ ૪૬ ગામો સંપર્કવિહોણાં બની ગયાં હતાં. જ્યારે ૧૭ ગામોને એલર્ટ કરાયાં છે, તેમજ અમદાવાદમાં પણ દિવસ દરમિયાન ઝરમર વરસાદ ચાલુ રહેતાં બુધવારે સવારે ૮.૩૦થી સાંજે પ.૩૦ સુધીમાં ૬.૬ મિ.મી. વરસાદ વરસ્યો હતો.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને પગલે હરણાવ, ડેભોલ અને ભણ્ણુ જેવી નદીઓમાં પાણીની સારી આવક થઈ છે, તેમજ ખેડબ્રહ્મામાં ૧૦ ઇંચ, ઇડરમાં ૯ ઇંચથી વધુ અને વિજયનગરમાં સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતાં આ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
જ્યારે સતલાસણા, પાલનપુર અને દાંતીવાડામાં સાડા પાંચ ઇંચ અને સિદ્ધપુર અને વિજાપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગે આગામી ગુરુવારે પણ સમગ્ર ગુજરાત, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાંક સ્થળોએ વરસાદી ઝાપટાં તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવનાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.
૧૨ તાલુકાઓમાં ચારથી સાત ઇંચ વરસાદ -
વલસાડના પારડીમાં સાત ઇંચથી વધુ, ભિલોડા તાલુકામાં ૧૪૯ મિ.મી., બોરસદમાં ૧૪પ મિ.મી., વડગામમાં ૧૨૬ મિ.મી., મેઘરજમાં ૧૨પ મિ.મી., વડાલીમાં ૧૨૦ મિ.મી., ખંભાતમાં ૧૩૦ મિ.મી., દાહોદમાં ૧૨પ મિ.મી., હિંમતનગરમાં ૧૦પ મિ.મી., માલપુરમાં ૧૧પ મિ.મી., આંકલાવમાં ૧૦પ મિ.મી., ધનસુરામાં ૯૮ મિ.મી. વરસાદ વરસ્યો હતો.
૧૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ -
ડીસામાં ૭૭ મિ.મી., બેચરાજીમાં ૭પ મિ.મી., મોડાસામાં ૯૦ મિ.મી., કડાણામાં ૯૪ મિ.મી., કાલોલમાં ૭૬ મિ.મી., વાલોડમાં ૯૧ મિ.મી., ધાનેરામાં ૬પ મિ.મી., ખેરાલુમાં પ૯ મિ.મી., વડનગરમાં ૬૯ મિ.મી., વિસનગરમાં ૪૮ મિ.મી., તલોદમાં પ૭ મિ.મી., બાલાસિનોરમાં પ૧ મિ.મી., કઠલાલમાં ૪૭ મિ.મી., દેવગઢબારિયામાં પ૬ મિ.મી., વ્યારામાં પ૩ મિ.મી. અને કામરેજમાં પ૩ મિ.મી. મળીને કુલ ૧૬ તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ થયો હોવાના અહેવાલ છે.
૩૪ તાલુકાઓમાં એક ઇંચથી વધુ જ્યારે ૨૭ તાલુકાઓમાં અડધો ઇંચથી વધુ વરસાદ -
રાજ્યના પાટણ, ભાભર, દિયોદર, મહેસાણા, ગાંધીનગર, બાવળા, ધોળકા, આણંદ, કપડવંજ, ખેડા, મહેમદાવાદ, મહુધા, માતર, નડિયાદ, ઉમરેઠ, ડભોઈ, પાવીજેતપુર, પાદરા, સંખેડા, વડોદરા, ખાનપુર, શહેરા, ધાનપુર, ગરબાડા, લીમખેડા, ભાવનગર, બારડોલી, મહુવા, સુરત શહેર, વલસાડ અને ડાંગ મળીને કુલ ૩૪ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૭ તાલુકામાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો સાંપડયા છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૪૨ તાલુકામાં બેથી અગિયાર ઇંચ અને ૬૧ તાલુકાઓમાં અડધાથી એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. જે અંતર્ગત ૧૬ તાલુકામાં બે ઇંચથી વધુ, ૩૪ તાલુકામાં એક ઇંચથી વધુ જ્યારે અન્ય ૨૭ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે.
લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ તેમજ દિવસ દરમિયાન છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં, જ્યારે રાજકોટના મોરબીમાં પોણા બે ઇંચ અને વાંકાનેર, ધોરાજી અને જસદણમાં દોઢ-દોઢ ઇંચ તેમજ ગાંધીધામમાં સવા ઇંચ અને રાપરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો.
ક્યાં કેટલો વરસાદ
૧૦.૦૦ - દાંતા
૧૦.૦૦ - ખેડબ્રહ્મા
૯.૦૦ - ઈડર
૭.૦૦ - વિજયનગર
૬.૦૦ - ભીલોડા
૬.૦૦ - બોરસદ
પ.૦૦ - પાલનપુર
૪.૦૦ - હિંમતનગર
૩.૦૦ - કાલોલ
વરસાદના આંકડા ઈંચમાં છે
રાજ્યમાં ગત સિઝનથી એક ટકો વરસાદ ઓછો
ગુજરાતમાં આ વખતે પણ ચોમાસું ગત વર્ષની જેમ મોડું શરૂ થયુંછે.જોકે, આ વખતે ગત વર્ષની સરખામણીમાં એક ટકો વરસાદ ઓછો પડયો છે.ગત વર્ષે ૧૧મી જુલાઈ,૨૦૧૧ના સુધીમાં રાજ્યમાં ૧૩૭ મિલીમીટર (આશરે ૬ ઈંચ) વરસાદ પડી ચૂક્યો હતો,જે તે વખતના સરેરાશ વરસાદની સામે ૧પ ટકા જેટલો હતો.જ્યારે આ વખતે ૧૧મી જુલાઈ ૨૦૧૨ સુધીમાં ૧૧૩ મિલીમીટર(આશરે પ ઈંચ) વરસાદ જ પડયો છે.અર્થાત્ તે રાજ્યના સરેરાશ વરસાદના ૧૪ ટકા જેટલો છે પરંતુ આ વખતે ચિંતાની બાબત એ છે કે,કચ્છ જિલ્લો કોરો રહેવા પામ્યો છે.
તસવીરો - અંકિત વ્યાસ, ભવર મીણા, પ્રવિણ સોલંકી, પ્રશાંત જોષી







