હેંગઓન ! ૬૫૦૦માંથી મોદીને ગુજરાતમાંથી ૯ % સવાલો

- દિલ્હીમાંથી ૧૧ ટકા સવાલ : પીએમપદ-ભ્રષ્ટાચાર વિશે સૌથી વધુ સવાલો
૩૧મી ઓગસ્ટે ગૂગલ હેંગઆઉટ પર યોજાનારી પ્રશ્નોત્તરીમાં ભારત અને અન્ય દેશોમાંથી ગુજરાતના મુખ્યમંત્રીને ૬,૫૦૦ કરતાં વધુ સવાલો મળ્યા છે. મોદીને સવાલ પૂછવામાં દિલ્હીના લોકો સૌથી વધુ રસ ધરાવે છે. કુલ સવાલોમાંથી ૧૧ ટકા સવાલો દિલ્હીમાંથી પૂછાયા છે અને ૯ ટકા સવાલો ગુજરાતમાંથી પૂછાયા છે. મતલબ કે સવાલ પૂછનારાઓમાં દિલ્હી કરતાં ગુજરાતના લોકોની સંખ્યા ઓછી છે. મુંબઇ અને મહારાષ્ટ્રના મળીને કુલ ૧૩ ટકા લોકોએ સવાલો પૂછ્યા છે. મુખ્યમંત્રી આ સવાલોમાંથી પસંદગીના માત્ર ૧૬ લોકો સાથે વાત કરશે. આ કાર્યક્રમનું સંચાલન અજય દેવગણ કરશે.
નરેન્દ્ર મોદીને પૂછાયેલા સવાલોના વિષયોની વાત કરીએ તો સૌથી પહેલા નંબરે આવે છે તેમના વડાપ્રધાન પદ વિશે અને રાષ્ટ્રીય સ્તરે જવાબદારી લેવા માટે કેટલા તૈયાર છે કેમ તેના વિશે. મુખ્યમંત્રી કાર્યાલયના ઇન્ફર્મેશન ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટના વડા ડૉ. હીરેન જોશી કહે છે કે ‘બીજા અને ત્રીજા સ્થાને ભ્રષ્ટાચાર અને ગવર્નન્સ વિશેના સવાલો છે.
આસામથી માંડીને ટૂરિઝમ જેવા વિષયો પર પણ સવાલ લોકોએ પૂછ્યા છે. અમુક લોકોએ વડાપ્રધાન પદનું નામ પાડ્યા વિના તેમના ભાવિ રાજકીય મહેચ્છા અને આયોજન અને અંગત ગમા-અણગમા વિશે સવાલો પૂછ્યા છે. મુખ્યમંત્રી દોઢ-દોઢ કલાકના બે સેશન કરશે અને બાકીના લોકોને લેખિતમાં જવાબ મોકલશે.’
જે પ્રશ્ન મોદીને એક દાયકાથી સતાવે છે તે સેક્યુલરિઝમ વિશે મોદી શું માને છે તે અહીં છઠ્ઠા સ્થાને છે. કદાચ ગૂગલ હેંગઆઉટ પર પૂછાઇ રહેલા સવાલોને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પરનો વિરોધ કર્યો લાગે છે કારણ કે આઠમા ક્રમે ઇન્ટરનેટ સેન્સરશિપનો સવાલ લોકોએ પૂછ્યો છે.
અમેરિકન પ્રમુખ ઓબામા અને ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર જુલિયા ગિલાર્ડ પછી લાઇવ વીડિયો ચેટ કરનારા ભારતીય રાજકારણીઓમાં નરેન્દ્ર મોદી પહેલા હશે. ઓબામાને સવા બે લાખ જેટલા સવાલો મળ્યા હતા અને નરેન્દ્ર મોદીને ૬,૫૦૦ સવાલ. ફર્ક ટેક્નોલોજીની પહોંચનો કે લોકોના દિલ સુધીની પહોંચનો?
કુલ સવાલ : ૬૫૦૦ +
- ગુજરાત:૯ %
- દિલ્હી :૧૧ %
મુંબઇ-મહારાષ્ટ્ર :૧૩ %
શેના વિશે સૌથી વધુ સવાલ :
(૧) વડાપ્રધાનપદ - મોટી જવાબદારી (૨) ભ્રષ્ટાચાર (૩) ગવર્નન્સ (૪) અંગત ગમા-અણગમા (૫) ટૂરિઝમ ડેવલપમેન્ટ (૬) સેક્યુલરિઝમ (૭) આસામના કોમી તોફાનો (૮) ઇન્ટરનેટ સેન્સરશિપ






