પીએમથી લઇ સિકયુરિટી જવાન આવરી લેવાશે
કેટલાંક મુદ્દે સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે મતભેદ
ભ્રષ્ટ વ્યક્તિને દંડ જ નહીં પણ ડર લાગશે
ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ડૉ.. કિરણ બેદીએ જનલોકપાલ બિલ અંગે વકતવ્ય આપ્યું હતું.
દેશમાં ભ્રષ્ટાચાર આતંકવાક કરતાં પણ વધુ ખતરનાક છે. જનલોકપાલ બિલ વડાપ્રધાન, જયુડિશિયરી, સાંસદો, સૈન્યથી લઇને લોકપાલ સર્વિસના લોકોને આવરી ભ્રષ્ટાચારનો ખાતમો બોલાવશે એમ ડૉ. કિરણ બેદીએ અત્રે જણાવ્યું હતું.
જનલોકપાલ બિલને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સિવિલ સોસાયટીના સભ્ય તથા ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડૉ. કિરણ બેદીએ ‘એફજીઆઇ’ના ઉપક્રમે યોજાયેલાં કાર્યક્રમમાં જણાવ્યું હતું કે શાળા, આરોગ્યસેવા, રસ્તા, કોલેજો, વોકેશનલ સેન્ટર, આઇઆઇએમ, આઇઆઇટી જેવી સંસ્થાઓ બાંધી શકાઇ નથી.
દેશમાં પાંચ હજાર વોકેશનલ સેન્ટર છે. જ્યારે ચીનમાં પાંચ લાખ છે. દેશમાં ૪૫૦ યુનિવર્સિટી છે. જાપાન ગુજરાત કરતાં પણ નાનો દેશ છે, છતાં ત્યાં ૪ હજાર યુનિવર્સિટી છે. દેશમાં ૧૦ હજારથી વધુ ભ્રષ્ટાચારના કેસ છે. જેમાં ૬૩ ટકા કેસો તો છેલ્લાં ૧૦ વર્ષથી પેન્ડિંગ છે તેમણે ઉમેર્યું હતું કે, તૈયાર થઇ રહેલું જન લોકપાલ બિલ આ બધી સમસ્યાનો ઉકેલ હશે.
જનલોકપાલ બિલથી સૌ કોઇ ડરશે. ભ્રષ્ટ લોકોએ જેટલી રકમ ભ્રષ્ટાચાર દ્વારા ભેગી કરી હશે તે વ્યાજ સહિત વસૂલ કરાશે. જનલોકપાલ બિલમાં ૭, ૯ કે ૧૧ સભ્યો હશે. તમામ સભ્યોની નિમણુંક પારદર્શક હશે. સભ્ય તરીકે આવેલા તમામનાં નામો વેબસાઇટ પર મૂકાશે. જો કોઇ વ્યક્તિ મૂકાયેલા સભ્ય સામેના ભ્રષ્ટાચાર કે વિવાદાસ્પદ ભૂતકાળ વિશે જાણતાં હશે તો પોતાનો મત મૂકી શકશે.
સ્વતંત્ર તપાસ એજન્સી
સીબીઆઇને ભ્રષ્ટ મંત્રી કે અન્ય બ્યૂરોક્રેટ સામે પગલાં લેવા માટે મંજુરી લેવી પડે છે. પરંતુ જનલોકપાલ એકદમ સ્વતંત્ર ઇન્વેસ્ટિગેશન એજન્સી હશે. જેમાં સ્વચ્છ છબીવાળા ઇન્વેસ્ટિગેટર હશે. જો જયુડશિયરી સિસ્ટમ સામે ફરિયાદ હશે તો છ લોકપાલ તજજ્ઞ તપાસ કરશે. કેસો છ મહિનામાં પૂર્ણ કરાશે.
ફરિયાદ માટે ૯૯૯ નંબર
પોલીસનો ૧૦૦ નંબર તો યાદ હશે. હવે તે રીતે જન લોકપાલ બિલ લાગુ થતાં જ કોઇ પણ વ્યક્તિ ૯૯૯ નંબર પર ફોન કરીને કોઇ પણ નેતા, મંત્રી, બ્યૂરોક્રેટ, કોર્પોરેટ હાઉસના અધિકારી સહિત સરકારી તંત્રના વિભાગો વિરુદ્વ ફરિયાદ કરી શકશે. ફરિયાદ મળતાં જ ૧૦ મિનિટમાં લોકપાલ સર્વિસના માણસો પહોંચી જશે.
લોકપાલ બાદ ગુજરાતમાં લોકાયુક્ત નિમાશે
જનલોકપાલ બિલના સંદર્ભમાં અમે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ જનલોકપાલ બિલ તૈયાર થઇને લાગુ પડે કે તરત જ તે રાજ્યમાં લોકાયુક્તની નિમણુંક કરી દેશે તેવી બાંયધરી અમને આપી હતી.