ગાંધીનગર જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં પીવાના પાણીના કામો, સેક્ટર રિફોર્મ યોજના-રાજ્ય હેઠળ વિવિધ કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. સેક્ટર રિફોર્મ યોજના અંતર્ગત તા.૩૧મી જાન્યુઆરી અંતે કુલ ૨૦૪ ગ્રામ સમિતિઓની રૂ.૩૦.૪૫ કરોડના ખર્ચની યોજનાઓને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી હતી.
ગાંધીનગર જિલ્લા કલેક્ટર પી.સ્વરૂપના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં માહિતી અપાઇ હતી કે, ૧૭૦ યોજનાના કામો પૂર્ણ થઇ ગયા છે. જ્યારે ૩૪ યોજનાના કામો પ્રગતિમાં છે. ગ્રામ સમિતિ દ્વારા લોક ફાળા પેટે રૂ.૨૯૩.૦૩ લાખ તેમના બેંકના ખાતામાં જમા કરાયા છે. વાસ્મો દ્વારા કુલ રૂ.૩૦૧૫.૨૫ લાખના ફંડની ફાળવણી કરાઇ છે. જેમાંથી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા ૨૦૪ ગ્રામ સમિતિઓને કુલ રૂ.૨૪૪૧.૨૮ લાખ ફાળવવામાં આવ્યા છે.
માણસા તાલુકાની ૪૩, કલોલ તાલુકાની ૪૧, ગાંધીનગર તાલુકાની ૩૬ અને દહેગામ તાલુકાની ૫૦ મળી કુલ ૧૭૦ યોજનાના કામો પૂર્ણ થઇ ચૂક્યા છે. આ બેઠકમાં પૂર્ણ થયેલા કામવાળા ગામો, પ્રગતિમાં હોય તેવા કામો માટે તથા નવીન કામો હાથ ધરવા માટે ચાર તાલુકાનાં ૨૦ ગામોના વિવિધ કામો માટે રૂ.૫૪,૯૬,૯૩૮ની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જિલ્લામાં સેક્ટર રિફોર્મ યોજના-રાજ્ય અંતર્ગત થયેલા કામોની પ્રગતિ અંગેની વિગતો જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ અને પાણી પુરવઠા અધિક્ષક ઇજનેર એ.એચ.મલેકે આપી હતી.