નવા બગીચાઓ માટે શક્યતાદર્શી અહેવાલ સાથે થીમ બેઝ ડિઝાઇનો નક્કી થઇ રહી છે
ન્યૂ ગાંધીનગરમાં રસ્તા, પાણી, ગટર અને સ્ટ્રીટલાઇટના કામ માત્ર નહીં પરંતુ આ વિસ્તારમાં રહેતાં અને નવા રહેવા આવનારી વસતીને ધ્યાને રાખીને બગીચા અને ફરવાના સ્થળો વિકસાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગુડાના ચેરમેન અશોકભાઇ ભાવસારે કહ્યું કે, પ્રથમ તબક્કે રાયસણ-રાંદેસણ અને કોબાને આવરી લેતી નગર રચના યોજના નં.૧૯માં નવા ૧૬ જેટલા બગીચા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે બનાવવાની યોજના હાથ ધરાઇ છે. તેમાં ટીપી સ્કીમમાં અનામત રખાયેલી ૭૧,૮૨૦ ચોરસ મીટર જમીનમાં વિવિધ થીમ આધારિત ગાર્ડન વિકસાવવામાં આવશે.
એક દાયકાથી વધુ સમય સુધી સુસુપ્ત અવસ્થામાં રહેલું ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળનું તંત્ર આખરે હરકતમાં આવ્યું છે અને પાટનગરની જેમ જ ન્યુ ગાંધીનગરમાં બ્યૂટિફિકેશન અને માળખાકીય સુવિધાના વિવિધ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. ગાંધીનગરના ૩૦ સેકટરોની બહાર ગુડા વિસ્તારમાં પાયાની સુવિધા ઉપરાંત બ્યૂટિફિકેશન અને પ્રવાસન સ્થળો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. વાવોલમાં તળાવના વિકાસના પ્રોજેકટમાં પ્રાથમિક ડિઝાઇન તૈયાર કરી દેવાઇ છે. જેને મંજૂરી મળતાં કામ શરૂ કરી દેવાયું છે. તેવી જ રીતે કોલવડા ગામનું તળાવ પણ વિકસાવાશે.
હવે ગુડા વિસ્તારમાં લોકોને ઘર નજીક જ હરવા ફરવાનું સ્થળ મળી રહે અને આ વિસ્તાર રળિયામણો બને તે માટે ૨૨ જેટલા બગીચા બનાવવાનું આયોજન કરાયું છે. તે પૈકી ગુડાની ર્બોડ બેઠકમાં ટીપી સ્કીમ નં.૧૯માં ૧૬ જેટલા બગીચા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાયસણ-રાંદેસણ અને કોબાને આવરી લેતાં આ વિસ્તારમાં અનામત રાખવામાં આવેલી ૭૧,૮૨૦ ચોરસ મીટર જમીનમાં આ નવા ૧૬ બગીચા બનાવાશે. આ માટે પ્રથમ ફિઝિબિલિટી રીપોર્ટ તૈયાર કરવાનું અને વિવિધ થીમ આધારિત અદ્યતન ડિઝાઇન બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. દરેક બગીચા લોક ભાગીદારીથી વિકસાવવામાં આવશે.