સામાન્ય માન્યતા એવી છે કે, હોળીના તાપે તપ્યા પછી ઠંડી વિદાય લે છે પરંતુ આ શિયાળામાં હાડ ધ્રુજાવી દે તેવા ઠંડીના ચમકારાએ વહેલી વિદાય લેવાની હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. રાત્રીનું તાપમાન ઘટવા લાગ્યું છે અને દિવસનું વધવા લાગ્યું છે.
આ મુદ્દો વસાહતીઓમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. છેલ્લા થોડા દિવસ દરમિયાન બેવડી મોસમ અનુભવાઇ રહી છે. દિવસ દરમિયાન ગરમી થવા લાગી છે એટલે કે, ફાગણ મહિનાની શરૂઆતની ગરમીના દિવસોનો અહેસાસ મહા મહિનામાં ચાલુ થઇ રહ્યો છે.
રવિવારે હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાન ૧૪.પ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી નોંધાયું હતું. જોકે, સાંજે ભેજ ઘટીને ૩૩ ટકા થઇ ગયો હતો અને સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા જેટલું ભારે નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા નોંધવામાં આવેલા ઉપરોકત આંકડા દર્શાવે છે કે,દિવસ દરમિયાન નગરવાસીઓ ઉનાળાનો અને રાત્રી દરમિયાન શિયાળાનો અનુભવ કરી રહ્યાં છે.