પડછાયો ગાયબ થવાની ઘટનાનું વડોદરા સાક્ષી બન્યુ :વાદળોના કારણે થોડા સમય માટે અજાયબ ઘટના જોવાનું ચૂકાયું
છેલ્લા એક મહિનાથી શહેરવાસીઓ સૂર્યની હાજરીમાં તમામ ચીજોના પડછાયા દૂર થવાની વાટ જોતા હતા તે ઘડીનો આજે આખરે અંત આવ્યો હતો. આજે વડોદરામાં બરાબર ૧૨.૩૬ મિનિટે શહેરમાં પડછાયા અદશ્ય થયા હતા.
પડછાયો અર્દશ્ય થવાની ઘટના નિહાળવા માટે આજે સવારથી જ પ્લેનેટોરિયમ ખાતે સેંકડો મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. વાદળો વિલન બનતાં સૂર્યનારાયણનો તાપ ઝાંખો પડતાં આ દુર્લભ ઘટનાના સાક્ષી નહીં બની શકાય તેવી શક્યતા ઊભી થઈ હતી. પણસૂર્યનારાયણની મહેર થતાં પડછાયો અર્દશ્ય થવાની ઘટના નિહાળી શકાઈ હતી.
ખગોળવિદ્ દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું કે, પૃથ્વીનો૨૩.૫ ડિગ્રીનો ઝુકાવ છે આજે વડોદરામાં ૧૨.૩૬ કલાકે આ આકાશી ઝુકાવ સ્થળના અક્ષાંસ સાથે મેચ થવાને કારણે આ સ્થળે પડછાયો થોડીક ક્ષણ માટે ગાયબ થયો હતો. આ ઘટના હવે નવમી જુલાઈએ વડોદરા, રાજકોટ અને જામનગરના શહેરીજનો માણી શકશે.
પડછાયો ગુમ થવાની ઘટના આ શહેરમાં ક્યારેય નહીં જોવાય
૨૩.૫ ડિગ્રી અક્ષાંશ વૃત્તથી વધુ અક્ષાંશ વૃત્તના શહેરોમાં ક્યારેય પડછાયો ગાયબ થવાની ઘટના જોઈ શકાશે નહીં. ૨૩.૫ ડિગ્રી અક્ષાંશવૃત્તથી ઉપરના મુખ્ય શહેરોમાં ઉત્તરભારતમાં દિલ્હી. હરિદ્વાર, મથુરા અને જયપુર, શ્રીનગર સહિતના શહેરોનો સમાવેશ થાય છે.
યોગાનુયોગ આજે વર્ષનો મધ્યદિવસ
આજે સૂર્યની પોઝિશન શહેરના માથે આવી હતી ત્યારે પડછાયો ગાયબ થવાની ઘટના સર્જાઈ હતી. પણ યોગાનુયોગ શુક્રવારે હેપી મિડ યર કહેવું પડે તેમ વર્ષનો પણ બરાબર વચ્ચેનો દિવસ હતો. વર્ષ ૨૦૧૧ના આજે ત્રીજી જુને ૧૮૨ દિવસ પૂરા થયા હતા જ્યારેચાલુ વર્ષના ૧૮૨ દિવસ હજી બાકી રહે છે.
ક્યાં ક્યારે પડછાયો ગાયબ થયો ?
છોટાઉદેપુર ૧૨.૩૪ કલાકે ખંભાત ૧૨.૩૮ કલાકે રાજકોટ ૧૨.૪૬ કલાકે જામનગર ૧૨.૪૮ કલાકે દ્વારકા ૧૨.૫૦ કલાકે ઓમાન ૧.૪૮ કલાકે મસ્કત ૧.૫૦ કલાકે