પંડિતજીની પુણ્યતિથિથી ભાજપના સ્થાપના દિન સુધી નાગરિકો પાસેથી ધનસંગ્રહ કરવાનું નવતર અભિયાન
અમદાવાદ શહેરમાં પ્રથમ દિવસે જ નાગરિકો પાસેથી ૧.૫૧ કરોડ ઉઘરાવાયા
પ્રધાનમંડળના પ્રત્યેક સભ્યોએ ૧૧ લાખનો ફાળો આપ્યો
પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે R ૧૧ લાખના ચેક અર્પણ કરીને ભાજપના ધનસંગ્રહ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોદીએ રાજ્યની પ્રજાએ તેમના પર મુકેલા વિશ્વાસ-ભરોસાનો ઉલ્લેખ કરી મહત્તમ ધનભંડોળ એકત્ર થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રાજ્ય પ્રધાનમંડળના પ્રત્યેક સભ્યોએ પણ R ૧૧ લાખનો ફાળો આપ્યો હતો.
ભાજપ દ્વારા દર વર્ષે પંડિતજીની પુણ્યતિથિને સમર્પણ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વરસે મુખ્યપ્રધાન મોદીએ પંડિતજીની પુણ્યતિથિથી ભાજપના સ્થાપના દિન છઢ્ઢી એપ્રિલ સુધી રાજ્યના પ્રજાજનો પાસેથી ધનસંગ્રહ કરવાનું અભિયાન આદરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
મોદીએ ભાજપના ઉપાધ્યક્ષ કૌશિક પટેલને R ૧૧ લાખનો ચેક અર્પણ કર્યો હતો. જ્યારે અમદાવાદ શહેર પ્રમુખ રાકેશ શાહે પ્રથમ દિવસે જ નાગરિકો પાસેથી ઉઘરાવેલાં R ૧.૫૧ કરોડનો ચેક મુખ્યપ્રધાનના હસ્તે પ્રભારી મંત્રી આનંદીબેન પટેલને એનાયત કરાવ્યો હતો. આ અભિયાનના પ્રારંભે નાણાપ્રધાન વજુભાઈ વાળા સહિતના પ્રધાનો, ધારાસભ્યો, પક્ષના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.