દેશના સરકારી પ્રસારક પ્રસારભારતીએ આ વાતથી નન્નો ભણ્યો હતો કે દેશમાં યોજાનાર કોમનવેલ્થ ગેમની જાહેરખબરો મફત દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે. ઓસીને મોકલવામાં આવેલ એક પત્રમાં પ્રસાર ભારતીએ કોમનવેલ્થ રમતોની આયોજન સમિતિના દાવાને પોકળ સાબિત કરી દીધી છે, જેમાં કહેવાયું હતું કે સરકારી પ્રસારક આ રમત માટે નિ:શુલ્ક જાહેરખબરો બતાવશે.
આ પત્રથી એ સાબિત થાય છે કે મફત જાહેરાત માટે ઓસી અને દૂરદર્શન વચ્ચે કોઈ સમજૂતી જ થઈ નથી. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘ મફતમાં જાહેરખબરો બતાવવી એ નિયમોની વિરૂદ્ધ છે. અને આવા નિ:શુલ્ક ટાઈમ સ્લોટનો હિસાબ રાખવો દૂરદર્શન માટે ઘણુ મુશ્કેલ છે.’
જોકે આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડીએ દાવો કર્યો હતો કે દૂરદર્શન આ રમત માટે 75 હજાર સેકન્ડ મફત જાહેરખબર બતાવશે. આટલા સમય માટે જાહેરાત બતાવવાની કિંમત 75 કરોડ રૂપિયા થાય છે.
ઓસી અને દૂરદર્શન વચ્ચે જાહેરખબરને લઈને કોઈ કરાર થયો નથી પરંતુ જાહેરખબરમાંથી થનારી કમાણીના ભાગલા તો જરૂર પડશે. જે અંતર્ગત કમાણીનો 60 ટકા ભાગ ઓસી પાસે જ્યારે 40 ટકા ભાગ પ્રસાર ભારતીના ખાતામાં જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રમતના પ્રાયોજકો અવઢવમાં છે કે તેઓ જાહેરખબર માટે ‘ટાઈમ સ્લોટ’ બુક કરાવે કે નહી.