ભારતમાં બ્લેકબેરીના ભવિષ્યને લઇને ગૃહમંત્રાલયમાં આજે અગત્યની બેઠક યોજાઇ. ભારતમાં બ્લેકબેરીની સર્વિસ દેશમાં ચાલુ રહેશે કે નહિં તે અંગે આજે નક્કર જાહેરાત કરાશે તેવી શક્યતા હતી. પણ એવું કંઇ આજે બન્યું જ નહિં અને આ બેઠકનું પરિણામ શૂન્ય જ રહ્યું. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા હતા કે સરકાર કંઇ નહિં તો બ્લેકબેરીની મેસેજ સર્વિસ પર તો પ્રતિબંધ મૂકી જ દેશે. કારણ કે તેને ડિકોડ કરવું સુરક્ષા એજન્સીઓ માટે શક્ય નથી.
સૂત્રો જણાવી રહ્યા છે કે બ્લેકબેરી બનાવનાર કેનેડાની કંપની રિસર્ચ ઇન મોશન એટલે કે રિમના દબાણના લીધે ભારત સરકાર કોઇ નિર્ણય લઇ શકી નથી. સૂત્રોએ પણ કહી રહ્યા છે કે ગૃહમંત્રાલયની સમક્ષ રિમ કંપનીનો પ્રતિનિધિ આવ્યો હતો, પણ ગૃહ સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ અને મોબાઇલ ઓપરેટર્સની વચ્ચે યોજાયેલ બેઠકમાં તે સામેલ થયો ન હતો.
જ્યારે ગૃહમંત્રાલયમાં યોજાયેલ બેઠકમાં ભારતમાં મોબાઇલ સર્વિસ આપનાર પ્રાઇવેટ ઓપરેટર્સો તરફથી પણ કોઇ પ્રતિનિધિ સામેલ થયો ન હતો. ઉલ્લેખનીય છે કે ભારતી એરટેલ અને વોડાફોન, આ બંને કંપનીઓ ભારતમાં બ્લેકબેરીની સાથે મળીને સર્વિસ આપી રહી છે. જો કે બેઠકમાં સરકારી ટેલિકોમ બીએસએનએલ કંપનીના અધિકારી જોડાયા હતા. આ સિવાય ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના અધિકારીઓ પણ આ મીટિંગમાં હાજર હતા.