વેબદુનિયાના વરિષ્ઠ ઉપસંપાદક રહી ચૂકેલા અભિનય કુલકર્ણી (32)નું એક માર્ગ અકસ્માતમાં દુ:ખદ નિધન થયું છે. તેઓ મહારાષ્ટ્રમાં પોતાની નવી જવાબદારી સંભાળવા જઈ રહ્યા હતાં.
ધુલિયા-ઈન્દોર મહામાર્ગ પર પારોલી ચોફાલી પર રાત્રે બે વાગ્યે આ દુર્ઘટનામાં માલેગાવથી આવી રહેલી એક ટ્રક સાથે તેમની બસની ટક્કર થઈ ગઈ. આ અકસ્માતમાં કુલકર્ણી સહિત અન્ય ચાર લોકોના પણ દુ:ખદ મોત થયા છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે.
અભિનય કુલકર્ણીએ મરાઠી સમાચારપત્ર ‘સકાળ’માં આઠ વર્ષ સુધી કાર્ય કર્યું. ત્યારબાદ તેઓ વેબદુનિયા ઈન્દોર ખાતે સિનિયર સબ એડિટર તરીકે ત્રણ વર્ષ કામ કર્યા બાદ તેઓ પોતાના વતન મહારાષ્ટ્રમાં બાળ ઠાકરેના મુખપત્ર ‘સામના’માં ન્યૂઝ એડિટર તરીકે જોડાવવા જઈ રહ્યા હતાં. પરંતુ એ પહેલા તેમને કાળ ભરખી ગયો અને મરાઠી પત્રકારત્વની એક કલમ થંભી ગઈ.