થોડાંક સમય પહેલાં જ ગૂગલનું લાઇસન્સ રિન્યૂ કર્યા બાદ ચીન સરકારે એક નવું સર્ચ એન્જિન લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે, જે ગૂગલને પણ ટક્કર આપી શકે છે. નવા સર્ચ એન્જિનને તૈયાર કરવાની જવાબદારી ચીનની ન્યૂઝ એજન્સી શિન્હુઆ ને આપવામાં આવી છે. પ્રસ્તાવિત સર્ચ એન્જિન ગૂગલ અને સ્થાનિક પોર્ટલ બાયડૂને જોરદાર ટક્કર આપશે.
શિન્હુઆના વાઇસ પ્રેસિડન્ટ જૂ જિસંગે કહ્યું કે સર્ચ એન્જિનને તૈયાર કરવા માટે શિન્હુઆની સાથે દુનિયાની સૌથી મોટી મોબાઇલ ઓપરેટર કંપની ચાઇના મોબાઇલ કોમ્યુનિકેશન કોર્પોરેશન પણ સહયોગ કરશે. નવા સર્ચ એન્જિન બનાવનાર કંપનીને "સર્ચ એન્જિન ન્યૂ મીડિયા ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશન કંપની"નું નામ આપવામાં આવ્યું છે. આ કંપની સર્ચ એન્જિન સિવાય ઇન્ટરનેટ, એડવર્ટાઇઝિંગ અને પિંકટ મીડિયાના ક્ષેત્રમાં નવા બિઝનેસ શરૂ કરશે.
નવા સર્ચ એન્જિનમાં સંચાર ટેકનિકની ભરપૂર ક્ષમતા હશે અને તે લોકો સુધી માહિતી પહોંચાડવા માટે અને પબ્લિક ઓપિનિયન લેવામાં મદદગાર સાબિત થશે. ચીનની આ તૈયારીથી ગૂગલને જોરદાર ટક્કર મળી શકે છે. આ પહેલાં ચીન સરકારે ગૂગલની કોઇ લિંક પર સર્ચ રિઝલ્ટને સરકાર દ્વારા સેન્સર કરાવા માટે ગૂગલને આગ્રહ કર્યો હતો પરંતુ કંપનીએ સરકારનો આ આદેશ માનવાનો ઇન્કાર કરી દીધો હતો જેના લીધે ગૂગલના લાઇસન્સને રદ કરી દેવામાં આવ્યું હતું. જોકે પાછળથી ગૂગલનું લાઇસન્સ ફરીથી રિન્યૂ કરી દેવામાં આવ્યું હતું.