અત્રે લગ્નસમારંભ પ્રસંગે એક યુવાનની હત્યા થઈ હતી. પ્રેમપ્રકરણના વિવાદને કારણે હત્યા થઈ હતી. નાશિકના વરાડ પાસે આ ઘટના બની હતી.
પંચશીલનગરમાં રહેતા વિજય દાદારાવ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે પ્રવીણ સુનીલ પાટીલ, જીજા પાટીલ, વચ્છલા કડબે અને જિતેન્દ્ર વાહનેની ધરપકડ કરી હતી. વિજયની હત્યા કરનાર પ્રવીણ પાટીલની બહેન સાથે વિજયને પ્રેમસંબંધ હતો. એ અંગેની ખબર પ્રવીણને મળતાં તે વિજયને સબક શિખવાડવા માટે રાહ જોઈ રહ્યો હતો.
સોમવારે પ્રવીણ એક લગ્નસમારંભમાં આવ્યો હતો. બપોરે જમવાનું ચાલી રહ્યું હતું ત્યારે પ્રવીણ અને વિજયનો ઝઘડો થયો હતો. અમુક લોકોએ ઝઘડાને શાંત પાડવા માટે મધ્યસ્થી કરી હતી જેને કારણે બંને શાંત થયા હતા.
દરમિયાન લગ્નસમારંભ પત્યા પછી સાંજે પ્રવીણ, તેની માતા જીજા પાટીલ અને અન્ય બે શખસોએ વિજયના ઘર ઉપર હુમલો બોલાવ્યો હતો. તેઓએ વિજયની બેરહેમીથી મારપીટ કરી હતી. આ જોઈને વિજયના પિતાએ તેને છોડાવવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ તેની પણ મારપીટ કરી હતી. પ્રવીણ અને તેની સાથે આવેલા લોકોએ કરેલી મારપીટને કારણે ઘાયલ વિજયને ડિઁગડોહની મંગેશકર હોસ્પિટલ અને બાદમાં નાગપુરની મેડિકલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું.