કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવાનો આદેશ અપાયો
અત્રે કોંગ્રેસ ભવનમાં મંગળવારે જિલ્લાધ્યક્ષપદની ચૂંટણીને લઈને અંદરઅંદર લડાઈ થતાં સામસામે ખુરશીઓ છુટ્ટી ફેંકવામાં આવી હતી. મહારાષ્ટ્ર કોંગ્રેસે આ સંપૂર્ણ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
પુણે કોંગ્રેસ ભવનમાં જિલ્લા અધ્યક્ષ પદની મંગળવારે ચૂંટણી નિધૉરિત કરવામાં આવી હતી. તે પુરંદરના માજી વિધાનસભ્ય સંભાજી કુંજીર પર સંજય જગતાપના કાર્યકરોએ જોરદાર હુમલો કર્યો હતો. કુંજીરને સુવડાવીને ખુરશીઓનો છુટ્ટો ઘા કરાયો હતો. તેમને લાતોથી પણ મારવામાં આવ્યા હતા.
જિલ્લાધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા માજી વિધાનસભ્ય અનંતરાવ થોપટેની અધ્યક્ષતામાં યોજાઈ રહી હતી. નવા જિલ્લાધ્યક્ષનું નામ જાહેર કરવામાં આવવાનું હતું. તે સમયે થોપટેની સામે જ બે જુથ વચ્ચે જબરદસ્ત મારામારી થઈ હતી.
જગતાપ અને કુંજીર બંને પુરંદર વિસ્તારના જ છે અને તેમની વચ્ચે અંતર્ગત વિવાદ છે, જેને લઈને આ મારામારી થઈ હતી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ માણિકરાવ ઠાકરેએ આ ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસનો આદેશ આપ્યો હતો. તપાસ બાદ દોષિત સામે કઠોર કાર્યવાહી કરાશે, એમ તેમણે જણાવ્યું હતું.
આ દરમિયાન કુંજીરે જણાવ્યું હતું કે મારે પોલીસ ફરિયાદ કરવી નથી. હું તો પક્ષ જે પગલાં લેશે તે માન્ય રાખીશ. આ ધાંધલધમાલ વચ્ચે વર્તમાન જિલ્લાધ્યક્ષ ભણસાલી ફરી ચૂંટાઈ આવ્યા હોવાની જાહેરાત થોપટેએ કરી હતી.