નાગપુરમાં નોકરીની તલાશમાં આવેલી એક ૨૫ વર્ષીય પરિણીતા પર ચાકુની ધાકે અજ્ઞાત શખસોએ બળાક્રાર ગુજાર્યો હતો. આ ઘટના શુક્રવારે બની હતી. પોલીસને સોમવાર સુધી પણ બળાત્કારીઓનું પગેરું મળ્યું નહોતું.
આ મહિલા મૂળ ઝારખંડની છે. તે હૈદરાબાદથી નાગપુરમાં નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા આવી હતી. ગુરુવારે સવારે ૧૧ વાગ્યે તે નાગપુરના રેલવે સ્ટેશન પર ઊતરી હતી. આખો દિવસ રેલવે સ્ટેશન પર પસાર કર્યા પછી તે રેલવે પ્રતિક્ષાલયમાં રોકાઈ હતી. જોકે ઈન્ટરવ્યુ આપવા માટે સમય હોવાથી તેણે પછી પંચશીલ ટોકીઝમાં જઈને ફિલ્મ જોઈ હતી. ત્યાંથી બહાર આવ્યા પછી તેણે એક મધ્યમ ઉંમરના માણસને રહેવા માટે લોજ બતાવવા વિનંતી કરી હતી.
પેલો માણસ તેને સીતાબર્ડીના સપના લોજમાં લઈ ગયો હતો. લોજના ચોકીદારે રૂમ આપવા માટે R ૪૦૦ માગ્યા હતા. પેલા માણસે પોતાની પાસેના R ૨૦૦ આપીને રૂમ લીધો અને મહિલાને લોજમાં છોડી હતી. મહિલા બાથરૂમમાં ગઈ એટલે પેલા માણસો દરવાજો બંધ કરી દીધો હતો. આ પછી ચાકુની ધાક બતાવીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા બહુ જ ડઘાઈ ગઈ હતી. તેણે બાથરૂમમાં જ આખો દિવસ પોતાને બંધ રાખીને બેસી રહી હતી.
આ પછી તેણે સવારે લોજવાળાને આપવીતી જણાવી હતી. લોજવાળાએ પોલીસને જાણ કરી હતી. આ મહિલાએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો. તેનો પતિ રેલવેમાં નોકરી કરે છે. મહિલાની તબીબી તપાસ પછી આ પ્રકરણે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ આદરી છે, પરંતુ હજુ તેનું પગેરું મળ્યું નથી.