શરાબી પતિ દ્વારા રોજેરોજ થતી મારપીટથી કંટાળીને ડોંબિવલીની એક પરિણીતાએ દાગીના ગિરવે મૂકીને પતિને જાનથી મારી નાખવાની સુપારી આપી હોવાની ઘટના બહાર આવી છે. ઉલ્હાલનગર ક્રાઈમ બ્રાન્ચે આ સંબંધે ૨૪ વર્ષીય પ્રિયા મિશ્રા અને તેના પ્રેમી તથા પ્રેમીના સાગરીતોની ધરપકડ કરી છે.
ઉલ્હાસનગર-૩માં રહેતા ૨૫ વર્ષીય કિશનચંદ મિશ્રાનાં થોડાં સમય પૂર્વે પ્રિયા સાથે લગ્ન થયાં હતાં. કિશનચંદ શરાબી હતો અને સતત પ્રિયાની મારપીટ કરતો હતો. દરમિયાન કિશનચંદના મિત્ર ૨૩ વર્ષીય ઝીશાન શેખ અને ૨૪ વર્ષીય દામોદર ઉર્ફે દામુ આઢકળેની તેના ઘરે સતત આવજા રહેતી હતી.
પ્રિયાને તે દરમિયાન ઝીશન સાથે પ્રેમ થયો હતો. આથી પ્રિયાએ ઝીશનની મદદથી પતિને ઠાર મારવાનું કાવતરું ઘડ્યું હતું. ઝીશને રાજા મુદલિયાર અને માજી નગરેસવકના પુત્ર અક્ષય ઉર્ફે બાબુ ગાયકવાડ (૨૦)ને આ કામ માટે તૈયાર કર્યા હતા. મુદલિયારની પાર્શ્વભૂ ગુનાહિત હોઈ તેણે આ કામ માટે R ૮૦ હજારની માગણી કરી હતી. આથી પ્રિયાએ દાગીના ગિરવે મૂકીને પૈસા ચૂકવ્યા હતા.
૨૭ જાન્યુઆરીએ રાત્રે અક્ષય, દામોદર અને રાજાએ કિશનચંદને અંબરનાથ એમઆઈડીસીમાં નર્જિન સ્થળે લઈ જઈને તેની હત્યા કરી નાખી હતી. બીજા દિવસે પ્રિયાએ ઉલ્હાસનગર સેન્ટ્રલ પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ મિચ્છંદ્ર ચવ્હાણ અને એમ. બી. ડાંગે તથા ટીમે તપાસ કરીને પ્રિયાની સંડોવણીનો પર્દાફાશ કર્યો હતો. આ સાથે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.