છએછ જળાશયો ભરાઈ જતાં પાણીનો પુરવઠો મેળવવામાં સૌથી છેલ્લા છેડે રહેતી વસાહતોની પાણીની ટંચાઈ(ખેંચ)ની સમસ્યા પણ હવે નાબૂદ થઈ જશે : કમિશનર
મુંબઈ મહાનગરને પાણી પુરવઠો આપનારાં બધાં જ એટલે કે છએછ જળાશયો ભરાઈ ગયાં હોવાથી પાણીનો પુરવઠો મેળવવામાં સૌથી છેલ્લા છેડે રહી જતી વસાહતોની પાણીની ટંચાઈ(ખેંચ)ની સમસ્યા પણ હવે નાબૂદ થઈ હોવાનું મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર સ્વાધીન ક્ષત્રિયે કહ્યું હતું. મહાનગરને પાણી પુરવઠો પુરો પાડતા તમામ જળાશયો ભરાઈ ગયાં તેમ જ પાણી કાપનું સંકટ આ વખતે ટળી ગયા બાબતે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
મુંબઈને પાણી પુરવઠો આપનારા છએછ જળાશયોમાં હવે ૧,૨૭,૯૬૮.૧ કરોડ લિટર જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે ૧.૩૨૫ કરોડ લિટર જેટલા જળ-જથ્થાની જરૂર છે. અપર વૈતરણા અને ભાતસા જળાશયો હજી સુધી ભરાયાં નહોતાં તે હવે ભરાઈ ગયા હોવાનું મહાનગરપાલિકાના વધારાના કમિશનર દિગ્ગીકરે કહ્યું હતું. અપર વૈતરણા પૂર્ણ ભરાવાની મર્યાદા ૬૦૩.૫૧ મીટર જેટલી છે પણ તે જળાશય ૬૦૩.૧૨ મીટર જેટલું ભરાયું છે.
ભાતસા ડેમની સંપૂર્ણ જળમર્યાદા ૧૪૨.૦૭ મીટર છે જ્યારે તે ૧૪૧.૧૫ મીટર સુધી ભરાઈ ગઈ છે. તળાવોના વિસ્તારોમાં હજુ સુધી વરસાદ પડી રહ્યો છે. ભાતસા ડેમ પણ પૂર્ણ ભરાઈ જાય અને પછી બંધના દરવાજા ઉઘાડવામાં આવે તો નજીકનાં ગામો ડૂબી જવાનો ભય રહેતો હોય છે. આથી ભાતસા જળાશયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હોવાની જાણકારી વધારાના મહાનગરપાલિકા કમિશનર દિગ્ગીકરે આપી હતી.
આ વખતે સારો વરસાદ થયો હોઈને પાણી ટંચાઈ અને પાણી કાપની ફિકર નાબૂદ થઈ ગઈ હોવા બાબતે મહાનગરપાલિકા કમિશનર સ્વાધીન ક્ષત્રિયે સંતોષ વ્યક્ત કર્યો હતો. મુંબઈ મહાનગરના ચેમ્બુર, બૈંગણવાડી અને એન્ટોપ હિલ જેવા વિસ્તારો પાણીની વિતરણ વ્યવસ્થાના છેલ્લા છેડે છે. આ વિસ્તારોમાં પાણીની ટંચાઈની અનેક ફરિયાદો હતી. આ વિસ્તારોમાં પણ પૂરો પાણીપુરવઠો અપાતો હોવાનું મહાનગરપાલિકા કમિશનર ક્ષત્રિયે કહ્યું હતું.
ઓવરફ્લો થતું પાણી રોકવામાં આવશે. તુલસી, વિહાર, પવઈ જેવાં તળાવો હાલમાં ઓવરફ્લો થાય છે. તેનું પાણી વહીને સમુદ્રમાં જાય છે. આ વહી જતું પાણી રોકવાનો વિચાર હોવાનું મહાનગરપાલિકા કમિશનર સ્વાધીન ક્ષત્રિયે કહ્યું હતું.