નાગપુરના એલઆઈસી એજન્ટ પોતાના ગ્રાહકોને નવતર સુવિધા આપશે
પ્રીમિયમ લઈને ત્યાં જ રસીદ આપવા માટે પાંચ એક્ઝિકયુટિવો અને એક ચાલકની ટીમને તેમણે આ કામ માટે રોકી છે
નાગપુરના એક એલઆઈસી(જીવન વિમા નિગમ)ના એજન્ટે પોતાના ગ્રાહકો ઘેરબેઠા પ્રીમિયમ ભરી શકે તે માટે પ્રીમિયમ જમા કરવા અજોડ મોબાઈલ વાન સેવા શરૂ કરી છે.
સતત નવ વર્ષ સુધી ટોપ ઓફ ધ ટેબલ એવોર્ડ વિજેતા ભરત પારેખે હાલમાં એલઆઈસીની સત્તા સમક્ષ આ નુસખો રજુ કર્યો હતો, જેને વધાવી લેવાયો હતો.
૩૦,૦૦૦ પોલિસી સાથે તેણે આજ સુધી R ૮૬૬ કરોડનો કુલ ધંધો કર્યો છે. હવે ગ્રાહકોની સુવિધા માટે તે આ તરકીબ લઈને આવ્યો છે. પ્રીમિયમ લઈને ત્યાં જ રસીદ આપવા માટે પાંચ એક્ઝિકયુટિવો અને એક ચાલકની ટીમને તેમણે આ કામ માટે રોકી છે.
આ પાંચ એક્ઝિકયુટિવો પાસે લેપટોપ, પોટેંબલ પ્રિંટર અને ઈન્ટરનેટ કાર્ડ પણ છે. ગ્રાહકોના ઘરઆંગણે એલઆઈસીની કચેરી જેવું જ આ છે, એમ ગત ૨૫ વર્ષથી જીવન વીમાના વેપારમાં કાર્યરત પારેખે જણાવ્યું હતું.
ભરત પારેખે ૩૦ કર્મચારી રાખ્યા છે. તે આશરે ૫૦૦૦ ગ્રાહકોને હાથ ધરે છે. કર્મચારીઓને માર્કેટિંગ, સેલ્સ, તાણ વ્યવસ્થાપન, કામગીરી, સક્ષમતા, માહિતી તંત્રજ્ઞાનની તાલીમ આપવામાં આવી છે.
હકીકતમાં મોબાઈલ વાન સેવા મેમાં શરૂ કરવામાં આવી છે, જેમાં ચેક કે રોકડ બંને રીતે પ્રીમિયમ સ્વીકારાય છે અને હમણાં સુધી R ૮ કરોડ ભેગા કર્યા છે, એવો પારેખનો દાવો છે. ૧૮ વર્ષની ઉંમરે સામાન્ય વીમા એજન્ટ તરીકે આરંભ કરનારા ભરત પારેખ આ વ્યવસાયમાં પોસ્ટર બોય બની ગયા છે.
અનાથ પોલિસી ધારકોને તે મફત સેવા આપે છે અને ગ્રાહકોને મદદરૂપ થવા માટે સમર્પિત ટોલ ફ્રી નંબર પણ રાખ્યો છે.