બોલિવુડના જાણીતા ફિલ્મ સર્જક, નિર્માતા અને દિગ્દર્શક સુભાષ ઘઈની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ ‘વ્હીસલિંગ વુડ્સ’ને ફિલ્મ સિટીમાં ૨૦ એકર જમીન ઓછા ભાવે આપવાના નિર્ણય બાબતે વિલાસરાવ દેશમુખના નિર્ણય સંબંધે હાઈ કોર્ટે કડક શબ્દોમાં આકરી ટીકા કરી હતી.
વળી, ફરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનવાની તેમની મહત્વાકાંક્ષાની આડે આ મામલો આવશે એમ રાજકીય વર્તુળમાં કહેવાય છે. એ સાથે ભાજપના પ્રદેશાધ્યક્ષ સુધીર મુનગન્ટીવારે આ ટીકાને આધારે કેન્દ્ર પ્રધાન વિલાસરાવ દેશમુખનાં રાજીનામાની માગણી શનિવારે મુંબઈમાં કરી હતી.
મહાપાલિકાની ચૂંટણીના પ્રચારના છેલ્લો તબક્કો હોવા છતાં પ્રચાર માટેના કોંગ્રેસના મુખ્ય નેતાઓની યાદીમાં સમાવેશ પામેલા વિલાસરાવ દેશમુખ હાલમાં વિદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું.
હાલના કેન્દ્ર પ્રધાન વિલાસરાવ દેશમુખ ફરી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે આવશે એમ કહેવાય છે, પણ હાઈકોર્ટની ફટકાર બાદ તેમની સામે મુશ્કેલી ઊભી થઈ છે.
આ મામલે સુભાષ ઘઈની ફિલ્મ ઇન્સ્ટીટ્યુટને સરકારે સસ્તા ભાવે ૨૦ એકર જમીન આપી છે તે સરકારે પરત લેવી, એવો આદેશ હાઈ કોર્ટે આપ્યો છે તેમ છતાં કેન્દ્ર સરકાર વિલાસરાવ દેશમુખને તેમના પદ ઉપર ટકવા દે છે એ યોગ્ય નથી, એમ મુનગન્ટીવારે કહ્યું હતું.
વહેલામાં વહેલી તકે તેમનું રાજીનામું લેવું જોઈએ એવી માગણી હું ભાજપ તરફથી કરું છું એમ પણ તેમણે કહ્યું હતું અને એ સાથે જો દેશમુખનું રાજીનામું લેવામાં નહીં આવે તો અમે આંદોલન કરીશું એવી ચીમકી પણ આપી હતી. વળી તેમણે એવો સવાલ પણ કર્યો હતો કે જેમનો મુંબઈ પર હક છે તેવા મિલ કામદારોને રહેવા માટે ઘર આપવામાં રાજ્ય સરકારને મુશ્કેલી પડે છે ત્યારે આવા મોટા લોકોને આપવાની જગ્યા સરકારને ક્યાંથી મળે છે.