સાર્વજનિક ગણેશોન્સવોમાં મૂર્તિઓની ઊંચાઈ ઘટાડવાના સામાજિક અને રાજકીય સ્તરના પ્રયત્નો નિષ્ફળ ગયા પછી હવે મૂર્તિકારોએ જાતે જ આગળ આવીને ૧૮ ફૂટથી વધુ ઊંચાઈની મૂર્તિ નહીં ઘડવા અંગે વિચારણા શરૂ કરી છે. શનિવારે યોજાનારી મૂર્તિકારોની બેઠકમાં આ બાબતે નિર્ણય લેવાય એવી શક્યતા છે.
પર્યાવરણની સમસ્યા તેમ જ મૂર્તિના વિસર્જન વેળા કાર્યકરોની પરેશાનીને કારણે સાર્વજનિક ગણેશમૂર્તિઓની ઊંચાઈ પર બંધનો મૂકવાનો મુદ્દો અનેક વખત સપાટી પર આવ્યો. પરંતુ ભકતોને આકર્ષવા માટે ગણેશ મંડળો આવાં બંધનો સામે વિરોધ કરતાં રહ્યાં અને બીજી બાજુ આપમેળે મૂર્તિઓની ઊંચાઈ વધારવાની સ્પર્ધા ચાલુ રાખી.
ગયા વર્ષે વિસર્જન વેળા એક સાર્વજનિક ગણેશમૂર્તિની કમનસીબી ઘટનાને પગલે બે જણ ઘાયલ થયા, એ વખતે ફરી ગણેશમૂર્તિઓની ઊંચાઈ પર પ્રતિબંધોનો મુદ્દો સપાટી પર આવ્યો હતો. આ વખતે લોકોને આ બાબતની ગંભીરતા સમજાઈ હતી. હવે બ્úહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ જ આ મુદ્દો હાથ ધર્યો હોવાથી મૂર્તિઓ ઘડવાની શરૂઆત પૂર્વે જ શહેરના મુખ્ય મૂર્તિકારોની બેઠક યોજી છે. આ બેઠકમાં બ્úહન્મુંબઈ મૂર્તિકાર સંઘના પ્રમુખ ગજાનન તોડવળકર, સંગઠન સચિવ એસ.જે કાળલેકર, અગ્રણી મૂર્તિકારો વિજય ખાતૂ, રાજન ઝાડ વગેરે ઉપસ્થિત હતા.
મૂર્તિકાર દીનાનાથ વેલિંગે વર્ષ ૧૯૯૦માં ‘‘લાલબાગચા રાજા’’ મંડળ માટે બાવીસ ફૂટ ઊંચી મૂર્તિ બનાવી ત્યારથી મૂર્તિઓની ઊંચાઈ બાબતે સ્પર્ધા શરૂ થઈ. પરંતુ ગયા વર્ષે કમનસીબ ઘટના બની, એ આંચકો આપનારી હતી. એવી ઘટના ફરી વખત ન બને એ માટે મૂર્તિકારો આગળ આવ્યા છે.
જો મૂર્તિઓની ઊંચાઈ ઓછી રહે તો કાર્યકરો માટે મૂર્તિ લાવવા, સ્થાપવા, સાચવવા, વ્યવસ્થા જાળવવા અને વિસર્જન વેળા માનસિક તાણ અને પરેશાની ઓછી થાય. તેથી શનિવારે યોજાનારી બેઠકમાં મૂર્તિઓની ઊંચાઈની મહત્તમ મર્યાદા ૧૮ ફૂટ પર રાખવા સર્વસંમતિ સધાય એવી શક્યતા સમન્વય સમિતિએ દર્શાવી હતી.