અતશિય ગરમીને કારણે રાજ્યના વિદર્ભ પ્રાંતમાં હજારો ચામાચીડિયાં મૃત્યુ પામતાં પ્રકૃતિ પ્રેમીઓ અસ્વસ્થ બન્યા છે. એક અંદાજ અનુસાર અત્યાર સુધીમાં લૂ લાગવાથી એક હજારથી વધુ ચામાચીડિયાં મૃત્યુ પામ્યાં છે.
સોમવારે નાગપુરના વધૉ રોડ પર સેન્ટ્રલ જેલ નજીકના વિસ્તારમાં એક્સાથે દોઢસોથી વધુ મરેલાં ચામાચીડિયાં જોવા મળ્યા હતા. બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટીનાં પક્ષી નિષ્ણાત રાજુ કસંબેએ આ ચામાચીડિયાં લૂ લાગવાથી જ મૃત્યુ પામ્યાં હોવાની બાબતને સમર્થન આપ્યું હતું. જોકે આવી ઘટનાઓનાં કારણો અંગે શંકાઓ પ્રવર્તે છે. એ માટે રોગચાળો કારણભૂત હોવાનું પણ ચર્ચાય છે. નાગપુરના સિવિલ લાઈન્સ વિસ્તારમાં બુધવારે લગભગ પાંચસો ચામચીડિયાં મૃતાવસ્થામાં જોવા મળ્યાં હતાં. થોડા દિવસ પૂર્વે ગઢચિરોલીમાં પણ હજારો ચામાચીડિયાં મયાઁ હતાં.
ચંદ્રપુર અને વધૉ જિલ્લાની સરખામણીમાં નાગપુર જિલ્લામાં તાપમાન ઓછું છે. તેમ છતાં ત્યાં નહીં પણ નાગપુર ખાતે ચામાચીડિયાં મરતા હોવાથી લોકોમાં ચિંતા સાથે કારણો અંગે શંકાનું વાતાવરણ ફેલાયું છે. પશુ સંવર્ધની સહ આયુકત (જોઈન્ટ કમિશનર) ડૉ. જે. એચ. શહારેએ કોઈ રોગચાળાને લીધે ચામાચીડિયાં મરતા હોવાની શક્યતા દર્શાવી હતી.