જળગાંવ જિલ્લાના અમલનેર સ્થિત આવેલા પ્રાચીન જૈન મંદિરમાંથી ભગવાનની મૂર્તિની અને રોકડની લૂંટ થઈ હોવાની ઘટના બની હતી. લૂંટારાઓએ મંદિરમાં પહેરો ભરી રહેલા ૭૨ વર્ષીય વૃદ્ધની હત્યા કરીને પંચધાતુની મૂર્તિ અને દાનપેટીને તોડીને તેમાંથી R ૨૫,૦૦૦ની ચોરી કરી હતી.
આવા પ્રકારની ઘટનાને કારણે જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો હતો. ગુરુવારે મધ્ય રાત્રિએ લોકો જ્યારે ભરઊંઘમાં હતા અને જૈન દેરાસરની નજીકનો વિસ્તાર એકદમ સૂમસામ હતો ત્યારે ચોરો મંદિરમાં રાખવામાં આવેલી દાનપેટીમાંની રોકડની લૂંટ ચલાવવા માટે પ્રવેશ્યા હતા. સૌપ્રથમ તો આ લૂંટારાઓએ મંદિરની ચોકી કરી રહેલા અણ્ણાજીના હાથપગ બાંધીને તેની હત્યા કરી હતી.
શુક્રવારે સવારે અણ્ણાજીનો મૃતદેહ મૃત અવસ્થામાં પડેલો પોલીસને જોવા મળ્યો હતો. દાનપેટીને સંપૂર્ણપણે તોડી નાખવામાં આવી હોવાનું પણ જોવા મળ્યું હતું. દાનપેટીમાંની બધી પચ્ચીસ હજાર રૂપિયાની રકમ ઉપર લૂંટારાઓએ હાથસફાઈ કરી હોવાની પોલીસે નોંધ કરી હતી. આ સિવાય તેઓએ પંચધાતુની અલભ્ય એવી ૯ મૂર્તિઓ પણ ઉઠાવીને લઈ ગયા હતા.અમલનેરમાં આવેલા પ્રાચીન સમયના જૈન દેરાસરમાં ચોકીદારની હત્યા કરીને લૂંટ કરાઈ હોવાની ઘટનાની જાણ થતાં જ પોલીસ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને લૂંટારાઓના સગડ મેળવવા માટે પોલીસે શ્વાન ટુકડીની મદદ લઈને તપાસ હાથ ધરી હતી.
વર્ષો જુના જૈનોના જળગાંવ સ્થિત અમલનેર વિસ્તારમાં આવેલા પ્રાચીન દેરાસરમાંથી પહેરો ભરતા ચોકીદારની હત્યા કરાયા બાદ અલભ્ય મૂર્તિઓની અને રોકડની લૂંટની ઘટનાને કારણે જૈન સમાજમાં અસંતોષની લાગણી પ્રસરી જવા પામી છે.