પુણેથી લગભગ ૩૫ કિલોમીટરના અંતરે આવેલા વાડેબોલાઈ નજીક ભારતીય હવાઈ દળનાં સુખોઈ-૩૦ વિમાનને મંગળવારે બપોરે લગભગ દોઢ વાગ્યાના સુમારે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. સદભાગ્યે વિમાન ખુલ્લી જગ્યામાં થયું હતું. એટલે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.
મંગળવારે બપોરે હવાઈ દળના પ્રશિક્ષણ દરમિયાન લોહગાવ હવાઈ મથકેથી ઉડેલું આ સુખોઈ-૩૦ એમકેઆઈ વિમાન વાડેબોલાઈ નજીક તૂટી પડ્યું હતું. અકસ્માતની સંભાવના જણાતા જ તાલીમ લઈ રહેલા બન્ને પાયલોટ પેરેશુટની મદદથી કૂદી પડ્યા હતા. આમ તો બન્ને પાયલટના જીવ બચી ગયા છે, પણ તેમાંના એક પાયલટને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તેવી જ રીતે વિમાન ખુલ્લી જગ્યામાં પડ્યું હતું, તેથી પણ મોટી જાન-માલહાનિ ટળી ગઈ હતી, પણ વિમાન પડતાની સાથે જ વિમાન સળગી ઉઠ્યું હતું.
વિમાન પડ્યું તે વિસ્તારમાં આગની વિશાળ જવાળાઓ જોવા મળી હતી અને વિસ્તારમાં કાળો ધૂમાડો ફેલાઈ ગયો હતો. વિમાની અકસ્માત થયાની જાણકારી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડની ટુકડીઓ અને હવાઈ દળની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. લાગેલી આગ ઓલવી નાખવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પણ આગ કાબુમાં આવે ત્યાં સુધીમાં વિમાનને બહુ મોટું નુકશાન થઈ ચૂક્યું હતું. આ અકસ્માતની તપાસનો આરંભ થઈ ગયો હોવાનું કહેવાયું હતું.
દેશમાં અગાઉ પણ સુખોઈ વિમાનના અનેક અકસ્માતો થયા છે. સંસદમાં પણ સુખોઈ વિમાનોની સલામતી બાબતે સવાલ ઉઠાવાયો હતો. મંગળવારના તાજા અકસ્માતને પગલે ફરી. એકવાર સુખોઈ વિમાનની સલામતિ સામે એક પ્રશ્નચિè ઊભું રહ્યું છે. માનવામાં આવે છે કે આ અકસ્માતની તપાસ બાદ વિવિધ મુદ્દા બહાર આવશે.