- શુક્રવારે મુંબઇમાં બનેલી ઘટના
- પરિવાર અને એસએસસીના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો
- વિદ્યાર્થીઓએ પરિવારને ફટકાર્યો
- 8ની ધરપકડ
- ચિકની ચમેલી ગીત વખતે થિયેટરમાં ડાન્સ કરતો વિદ્યાર્થી પરિવાર પર પડ્યો હતો
અગ્નિપથ ફિલ્મના ચીકની ચમેલી ગીતે યુવા હૈયાઓમાં તો ધમાલ મચાવી જ છે પરંતુ આ ગીતને કારણે મુંબઇમાં બખેડો થઇ ગયો. શુક્રવારે થિયેટરમાં ફિલ્મ અગ્નિપથ જોવા ગયેલા એક પરિવારને શાળાના વિદ્યાર્થીઓ સાથે ઝઘડો થઇ ગયો. ઝઘડા બાદ વિદ્યાર્થીઓએ પરિવાર પર હુમલો કર્યો. 30 વર્ષીય એક વ્યક્તિ અને એસએસસીના સાત વિદ્યાર્થીઓની પોલીસે આ મામલે ધરપકડ કરી છે.
દહીસરમાં આવેલા જેમ સિનેમાઘરમાં એક પરિવાર અગ્નિપથ ફિલ્મ જોવા ગયો હતો. એસએસસીના વિદ્યાર્થીઓનું એક ગૃપ પણ ફિલ્મ જોવા આવ્યું હતું. ફિલ્મ દરમિયાન ચિકની ચમેલી ગીત આવતાં વિદ્યાર્થીઓ પોતાની સીટ પરથી ઊભા થઇને ડાન્સ કરવા લાગ્યા હતા. એક વિદ્યાર્થી ડાન્સ કરતો-કરતો પરિવાર પર પડ્યો હતો. જેના લીધે પરિવારના એક સભ્યએ તેને લાફો ઝીંકી દીધો હતો.
આ ઘટના બાદ તમામ વિદ્યાર્થીઓને ફિલ્મની અધવચ્ચેથી જ હાંકી કઢાયા હતા. જેનાથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ ફિલ્મ પૂરી થયા બાદ બહાર આવેલા પરિવાર પર એક રેસ્ટોરન્ટ નજીક હુમલો કર્યો હતો. વિદ્યાર્થીઓએ પરિવારના સભ્યોને લાતો મારી હતી અને લાકડીઓ પણ ફટકારી હતી અને પછી ત્યાંથી નાસી છુટ્યા હતા.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.