૨૦૧૩માં નીટ લાગુ કરવામાં આવશે કે નહીં એ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ વિમાસણમાં છે
‘‘કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પ્રવેશ મૂલ્યાંકન પ્રવેશ પરીક્ષા (નેશનલ એન્ટ્રન્સ ઈવેલ્યુએશન ટેસ્ટ-નીટ) આવતા શૈક્ષણિક વર્ષ એટલે કે ૨૦૧૩માં લાગુ કરવામાં આવશે કે નહીં એ બાબતે વિદ્યાર્થીઓ અને વાલીઓ વિમાસણમાં છે. એ બાબતના ટેકનિકલ મુદ્દા હજુ સ્પષ્ટ થયા નહીં હોવાથી વિદ્યાર્થીઓ પર લટકતી તલવાર છે. પરંતુ વિદ્યાર્થીઓએ આ બાબતે આખરી નિર્ણયની ચિંતા નહીં કરતાં સીઈટી પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ’’ એમ તાજેતરમાં ‘સીઈટી’ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અર્થે યોજાયેલી ગોળમેજી પરિષદમાં નિષ્ણાતોએ જણાવ્યું.
આ શૈક્ષણિક વર્ષથી અમલમાં આવે એ રીતે આખા દેશમાં ‘નીટ’ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ મોટા ભાગનાં રાજ્યોએ તેનો વિરોધ કરતાં ‘નીટ’ રદ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર સરકારે વર્ષ ૨૦૧૩માં ‘નીટ’ પરીક્ષા યોજવાની તૈયારી દર્શાવી છે. તેથી જો કેન્દ્ર સરકાર આવતે વર્ષે ‘નીટ’ લેવાનો નિર્ણય જાહેર કરે તો રાજ્યોના વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવી પડશે.
આ સંદર્ભમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ આવતા સપ્તાહે દિલ્હી જશે. એ બાબતે ચર્ચા કરીને ‘નીટ’ વિશે મે મહિના સુધીમાં નિર્ણય લેવાની રજૂઆત કેન્દ્રને આ પ્રતિનિધિમંડળ કરશે, એવી માહિતી રાજ્યના તબીબી શિક્ષણ નિયામક ડૉ. પ્રવીણ શિંગારેએ આપી હતી.
‘‘આ વર્ષે ૧૧મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓએ આવતે વર્ષે ‘નીટ’ યોજાશે કે નહી તેનો ઝાઝો વિચાર નહીં કરતાં હાલના ફોર્મેટ અનુસાર અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ’’ એવી સલાહ આ ગોળમેજી પરિષદમાં ઉપસ્થિત નિષ્ણાતોએ આપી હતી.