શેરડી તોડનારા મજુરો અને ખેડૂત સંગઠનોના આંદોલનનો સીધો ફટકો આ વખતે સાકરના ઉત્પાદનને લાગવાની પૂરી સંભાવના છે. ગયા વર્ષે આ તારીખ સુધીમાં ૩૯ લાખ ક્વિન્ટલ સાકરનું ઉત્પાદન થયું હતું. આ વખતે આજ સુધીમાં ૧૧૬ સાકર કારખાનાઓ શરૂ થયા બાદ સાકરનું ઉત્પાદન ૩૨ લાખ ક્વિન્ટલ સુધી પહોંચ્યું છે.ગયા સપ્તાહે સંસદ સભ્ય રાજુ શેટ્ટીના નેતૃત્વમાં ખેડૂતોએ શેરડીના ભાવમાં વધારો માગતા આંદોલન ચલાવ્યું હતું.
બારામતીમાં તેમણે કરેલા ઉપવાસ-આંદોલનને પગલે અનેક કારખાનામાં કામકાજ બંધ થઈ ગયું હતું. તેને પગલે કારખાનાઓમાંના સાકર ઉત્પાદનમાં પડેલો તફાવત કેટલો દૂર કરી શકાશે એ બાબતે શંકા સેવાય છે.મળતા આંકડા અનુસાર હાલમાં સાકરના ઉત્પાદનમાં ઘટ જોવાતો હોઈને આ વખતે સાકરના એકંદર ઉત્પાદનમાં ઘટાડો રહેશે એવા ચિહ્ન દેખાય છે.
આ વખતે કોલ્હાપુરમાં ૧૬ કારખાના શરૂ થયા છે, ત્યારે આ વિસ્તારમાં ૩.૫૩ લાખ ક્વિન્ટલ સાકરનું ઉત્પાદન થયું છે. પુણે વિસ્તારમાં ૪૪ સાકર કારખાના શરૂ થયા હતા ત્યાં ૧૮.૮૩ લાખ ટન સાકરનું ઉત્પાદન કરાયું છે. નગર વિસ્તારમાં ૭.૧૦ લાખ ટન સાકર ઉત્પાદન થયું છે, આમ ઔરંગાબાદ,નાંદેડ, અમરાવતી અને નાગપુરમાં પણ પ્રમાણમાં ઓછું સાકર ઉત્પાદન થયાના આંકડા મળે છે.
કયા વિભાગમાં કેટલી સાકર ઊતરી
ખેડૂત આંદોલનને પગલે સાકર ઉત્પાદનને ફટકો પડ્યાની ચર્ચા છે ત્યારે કોલ્હાપુરમાં ૮.૧૫ ટકા, પુણેમાં ૮.૪૧, ઔરંગાબાદમાં ૭.૩૦ ટકા, નાંદેડમાં ૬.૭૯ ટકા, અમરાવતીમાં ૭.૧૪, નગરમાં ૮.૦૩ ટકા અને નાગપુરમાં ૪.૪૪ ટકા જેટલી સરાકર ઉતરી હોવાનું આંકડા બોલે છે.